આ ઘટના ગુરુવારે રાતે બની હતી

પ્રતીકાત્મક તસવીર
વસઈના વાલિવના વાઘરાળ પાડામાં એક ગુજરાતી યુવકની કાતરના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ગુરુવારે રાતે બની હતી. યુવક એ ઑફિસમાં કામ કરતી એક યુવતીને હેરાન કરતો હતો. એનાથી ગુસ્સે ભરાયેલા ઑફિસના બે સાથીઓએ આ હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે.
વસઈ-ઈસ્ટના વાઘરાળ પાડામાં એક બિલ્ડરની ઑફિસ છે. અહીં ૨૧ વર્ષનો અંકિત શાહ કામ કરતો હતો. અંકિત છેલ્લા કેટલાક દિવસથી અહીં કામ કરતી એક યુવતીને હેરાન કરીને ત્રાસ આપતો હોવાનું જણાયું હતું. એથી આ યુવતીએ આ વાત ત્યાં કામ કરતા ઇમામુદ્દીન મન્સુરી અને નઈમ મન્સુરીને જણાવી હતી. આ બન્નેએ અંકિતને સમજાવ્યો હતો, જેમાંથી વિવાદ થયો હતો. ગુરુવારે રાતે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ ત્રણે વચ્ચે આ કારણસર બોલાચાલી થઈ હતી અને એ પછી ઝઘડો થયો હતો. એ સમયે ઇમામુદ્દીન મન્સુરી અને નઈમ મન્સુરીએ અંકિત પર કાતર વડે વાર કર્યા હતા. આ હુમલામાં અંકિત ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે એ પહેલાં જ તેનું મોત થયું હતું. આ કેસમાં વસઈની વાલિવ પોલીસે હત્યાના આરોપમાં ઇમામુદ્દીન મન્સુરી અને નઈમ મન્સુરીની ધરપકડ કરી હતી અને એક સગીરને તાબામાં લીધો હતો.
વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કૈલાસ બર્વેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. એવી શંકા છે કે અંકિત આ ઑફિસમાં કામ કરતી એક યુવતીને હેરાન કરતો હોવાથી ગુસ્સે ભરાઈને આ હત્યા થઈ હોઈ શકે છે.’