ગયા વર્ષે રાજ્યમાં કૉલેરાને કારણે ત્રણ અને લેપ્ટોસ્પાયરોસિસને લીધે ૨૧ દરદીઓનાં મૃત્યુ
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં પાણીજન્ય રોગોના વધતા કેસ ચિંતાકારક છે. મહારાષ્ટ્ર હેલ્થ સર્વિસિસ કમિશનરેટના ડેટા મુજબ રાજ્યમાં ઝાડા, કૉલેરા, આંતરડાંનો સોજો, ટાઇફૉઇડ, ચેપી કમળો અને લેપ્ટોસ્પાયરોસિસના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.
૨૦૨૫માં ઝાડાના કેસ તાજેતરનાં વર્ષોમાં સૌથી વધુ નોંધાયા હતા. ગયા વર્ષે કુલ ૩,૬૮,૭૮૭ દરદીઓ નોંધાયા હતા, જ્યારે ૨૦૨૪માં આ સંખ્યા ૩,૬૫,૧૯૨ રહી હતી. જોકે આ સમયગાળા દરમ્યાન આંતરડાંના સોજાના કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૨૫માં ૨૩,૬૮૮ દરદીઓને આંતરડાંનો સોજો હોવાનું નિદાન થયું હતું. ૨૦૨૫માં કૉલેરાના ૨૦૩ કેસ નોંધાયા હતા જેને કારણે ૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ADVERTISEMENT
અન્ય પાણીજન્ય રોગો પણ હજારો મુંબઈવાસીઓને અસર કરી રહ્યા છે. ૨૦૨૫માં રાજ્યમાં ચેપી કમળાના ૩૪૫૯ કેસ નોંધાયા હતા જેમાં ત્રણ મૃત્યુ થયાં હતાં, જ્યારે ૪૩,૦૪૭ દરદીઓને ટાઇફૉઇડ હોવાનું નિદાન થયું હતું. લેપ્ટોસ્પાયરોસિસ એક ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. ૨૦૨૫માં લેપ્ટોસ્પાયરોસિસના ૮૫૮ કેસ અને ૨૧ મૃત્યુ નોંધાયાં હતાં.
આ બીમારીઓનો ફેલાવો મુખ્યત્વે દૂષિત પીવાના પાણી અને ગંદકીને લીધે થતો હોવાથી રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટે સમગ્ર મહારાષ્ટ્રમાં વૉટર પ્યુરિફિકેશન અને સૅનિટાઇઝેશન અભિયાન હાથ ધર્યાં છે.
