સિંધુદુર્ગના વૈભવવાડી તાલુકામાં આવેલા નાપણે વૉટરફૉલની સુંદરતા હવે ગ્લાસ બ્રિજ પરથી માણી શકાશે. ત્યાં એક યુનિક પૉઇન્ટ એવો છે જ્યાંથી નીચે સીધું વૉટરફૉલનું પાણી વહેતું દેખાય છે.
સિંધુદુર્ગના નાપણે વૉટરફૉલ પર બન્યો મહારાષ્ટ્રનો પહેલવહેલો ગ્લાસ બ્રિજ
ચોમાસાએ મહારાષ્ટ્રમાં જોર પકડ્યું છે અને રાજ્યના બધા જ વૉટરફૉલ ઍક્ટિવ થઈ ગયા છે ત્યારે પર્યટકો માટે એક રસપ્રદ સમાચાર છે. મહારાષ્ટ્રમાં પહેલવહેલો ગ્લાસ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને એ પણ એક વૉટરફૉલની ઉપર. સિંધુદુર્ગના વૈભવવાડી તાલુકામાં આવેલા નાપણે વૉટરફૉલની સુંદરતા હવે ગ્લાસ બ્રિજ પરથી માણી શકાશે. ત્યાં એક યુનિક પૉઇન્ટ એવો છે જ્યાંથી નીચે સીધું વૉટરફૉલનું પાણી વહેતું દેખાય છે.
મંગળવારથી ખુલ્લો મૂકવામાં આવેલો આ ગ્લાસ બ્રિજ ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યો છે જે કોલ્હાપુર-તરળે નૅશનલ હાઇવે પર આવેલા નાંદવડે ગામથી ૬ કિલોમીટર અને વૈભવવાડી રેલવે-સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલો છે. મુંબઈથી વૈભવવાડી બાય રોડ જવા માટે ૯થી ૧૧ કલાકનો સમય લાગી શકે છે. સિંધુરત્ન યોજના હેઠળ ૯૯.૬૩ લાખ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગ્લાસ બ્રિજ પર કલરફુલ આર્ક બનાવવામાં આવ્યા છે તેમ જ પુલ પર ચડવાનાં પગથિયાં વુડન-ઇફેક્ટ આપે એવાં છે. સેલ્ફી-પૉઇન્ટ અને વાઇલ્ડલાઇફનાં પેઇન્ટિંગ્સથી આ બ્રિજ ખૂબ જ આકર્ષક લાગે છે. બ્રિજ પર ઊભા રહીને આખો વૉટરફૉલ માણવાની સાથે આસપાસ ઘટાદાર વૃક્ષો અને હરિયાળી તેમ જ અહીં ખાસ જોવા મળતાં હૉર્નબિલ જેવાં પક્ષીઓને નિહાળી શકાય છે.


