ઉપરાઉપરી મીટિંગો પછી કોઈક નિષ્કર્ષ નીકળ્યો હોવાની ચર્ચા, મનોજ જરાંગેને ડ્રાફ્ટ દેખાડીને નિર્ણય લેવાય એવી શક્યતા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મરાઠા અનામતના મુદ્દે મનોજ જરાંગેની આગેવાની હેઠળના આંદોલને મુંબઈને બાનમાં લીધું છે અને હવે કોર્ટે પણ સરકારને ખખડાવી છે ત્યારે અનામતનો પ્રશ્ન ઉકેલવા રાજ્ય સરકાર દ્વારા જોરદાર પ્રયાસ થઈ રહ્યા છે. રાજય સરકાર દ્વારા નિમાયેલી ઉપસમિતિની ઉપરાઉપરી બેઠકો થઈ રહી છે અને આ બાબતે નવેસરથી નિર્ણય લઈને એના પર નવો ગવર્નમેન્ટ રેઝૉલ્યુશન (GR) પાસ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલે સુધી વાત ચાલી રહી છે કે એનો અંતિમ ડ્રાફ્ટ પણ તૈયાર થઈ ગયો છે, મનોજ જરાંગેને એ બતાવીને નિર્ણય લેવાય એવી શક્યતાઓ રાજકીય પંડિતો મૂકી રહ્યા છે.
મરાઠા અનામત કાયદાકીય રીતે ટકે એ માટેની ગતિવિધિઓએ જોર પકડ્યું છે. એમાં સરળતા રહે એ માટે ગામડામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કુણબી હોવાનું સર્ટિફિકેટ ઇશ્યુ કરવા ગામડામાં રહેતાં સગાંસંબંધીઓ અથવા કુણબી સર્ટિફિકેટ ધરાવનાર પાસેથી ઍફિડેવિટ લઈને અનામત આપવા પર પણ વિચારણા થઈ રહી છે. ઍડ્વોકેટ જનરલ બિરેન્દ્ર સરાફની સલાહ લઈને એની મંજૂરી મેળવ્યા બાદ જ સરકાર આમાં આગળ વધવાનું વિચારી રહી છે, કારણ કે આ વખતે જે અનામત આપે એ કોર્ટમાં ટકવું જોઈએ. એથી સરકાર જોરદાર તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
કુણબી સર્ટિફિકેટ માટે ગામસ્તરે છાંટણી સમિતિ નીમવાની પણ વિચારણા ચાલી રહી છે. કુણબી-નોંધની ચકાસણી કરવા ગ્રામપંચાયત સ્તરે અને તાલુકા સ્તરે છાંટણી સમિતિ નીમી ગામસ્તરે નવી નોંધો શોધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઍડ્વોકેટ જનરલની મંજૂરી મેળવી, એ મનોજ જરાંગેને બતાવીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.


