૧૦ જૂને સરકાર વિરુદ્ધ રાજ્યભરમાં આંદોલન કરવાની ચીમકી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ કૉન્ટ્રૅક્ટર્સ અસોસિએશન અને સ્ટેટ એન્જિનિયર્સ ફેડરેશનના છેલ્લા ૧૮ મહિનાથી કુલ ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનાં પેમેન્ટ બાકી હોવાને પગલે રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. ચૂંટણી જીતવા માટેની યોજનાઓને લીધે સરકાર પાસે પૈસા ન હોવાનું કારણ તેમણે આગળ ધર્યું હતું.
મહારાષ્ટ્ર સ્ટેટ કૉન્ટ્રૅક્ટર્સ અસોસિએશનના અધ્યક્ષ મિલિંદ ભોસલેએ જણાવ્યું હતું કે ‘રાજ્યના કૉન્ટ્રૅક્ટરો અને એન્જિનિયરોને જાન્યુઆરી ૨૦૨૪માં છેલ્લું પેમેન્ટ મળ્યું હતું. ત્યાર બાદ લાડકી બહિણ યોજના જાહેર થઈ અને અમારાં પેમેન્ટ અટકાવી દેવાયાં. ઉપરાંત અમારાં પેમેન્ટ આપ્યા વગર ગ્રામપંચાયતોને નવાં કામ સોંપવાનું ચાલુ કરી દેવાયું છે. તેથી અમે બૉમ્બે હાઈ કોર્ટમાં રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ પિટિશન ફાઇલ કરી છે.’
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સ્ટેટ કૉન્ટ્રૅક્ટર્સ અસોસિએશનમાં ૩૫ જિલ્લાના કુલ ૩,૦૦,૦૦૦ સભ્યો છે. જો સરકાર તેમનાં પેમેન્ટ ક્લિયર કરવાની વાત નહીં માને તો તેઓ રાજ્યભરમાં ૧૦ જૂને મોટા પાયે આંદોલન પર ઊતરશે એવી ચીમકી આપવામાં આવી છે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટનાં ૩૮,૦૦૦ કરોડ રૂપિયાનાં પેમેન્ટ ઉપરાંત રૂરલ અને અર્બન ડેવલપમેન્ટ જેવા અનેક વિભાગોનાં પેમેન્ટ બાકી હોવાનું અસોસિએશને જણાવ્યું હતું.

