પહેલાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે ચેડાં થયાં, પછી સોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મુકાઈ એમાં ભડકો થયો
ગઈ કાલે યવતમાં ટેન્શનભર્યું વાતાવરણ હતું
પુણેના દૌંડ જિલ્લાના યવતમાં સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મુકાવાને કારણે બે પરસ્પર વિરોધી જૂથો વચ્ચે રમખાણ ફાટી નીકળ્યું હતું. સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કેટલીક દુકાનો અને વાહનોને આગ લગાવવામાં આવી હતી. પોલીસે તોફાનીઓને વિખેરવા ટિયરગૅસ છોડવો પડ્યો હતો.
યવતમાં ૪ દિવસ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સાથે ચેડાં કરવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો હતો. એથી યવત સહિત આખા દૌંડ તાલુકામાં બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. આવી પરિસ્થિતિમાં ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના નેતા ગોપીચંદ પડળકર, સંગ્રામ જગતાપ અને કિન્નર અખાડાના પ્રમુખ સ્વામી હેમાંગી સખીજીએ ત્યાં આવીને ભાષણ કર્યાં હતાં.
ગઈ કાલે ફેસબુક પર કોઈએ વિવાદાસ્પદ પોસ્ટ મૂકતાં લોકોની ભાવના ભડકી હતી અને લોકો સવારથી જ રસ્તા પર ઊતરી આવ્યા હતા. માર્કેટ બંધ કરી દેવાઈ હતી. કેટલાંક ઘર, બેકરી અને ધાર્મિક સ્થળ સામે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને હુમલો કર્યો હતો. કેટલાંક ઘર અને દુકાનોને આગ પણ ચાંપવામાં આવી હતી. બે જૂથ સામસામે આવતાં પથ્થરમારો પણ
થયો હતો.
ADVERTISEMENT
રમખાણ ફાટી નીકળ્યાની માહિતી મળતાં જ પોલીસનો કાફલો ત્યાં ધસી ગયો હતો. પોલીસે તોફાનીઓને વિખેરવા ટિયરગૅસના શેલ ફોડ્યા હતા અને તરત જ જમાવબંધીનો આદેશ લાગુ કરી દીધો હતો. ગઈ કાલે યવતમાં ફ્રાઇડે માર્કેટ ભરાતી હોય છે. જોકે તનાવની પરિસ્થિતિ જોઈને એ માટે પણ બંધી ફરમાવી દેવાઈ હતી. પોલીસ અને દૌંડના વિધાનસભ્ય રાહુલ કુલે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને અફવાઓ પર ધ્યાન ન આપવાની હાકલ કરી છે.


