અમે મંત્રાલયમાં બેસીને નિર્ણયો નથી લેતા, અમે તત્કાળ નિર્ણયો લઈએ છીએ

એકનાથ શિંદે
રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં અઢી વર્ષથી ઠપ થઈ ગયેલા મેટ્રો અને અન્ય પ્રોજેક્ટ્સને તેમની સરકારે પ્રાથમિકતાના ધોરણે હાથ પર લીધા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘અમે મંત્રાલયમાં બેસીને નિર્ણયો નથી લેતા, અમે તત્કાળ નિર્ણયો લઈએ છીએ. અમારી સરકારે નકારાત્મકતાને હટાવી દીધી છે અને રાજ્યમાં સકારાત્મકતા ફેલાવી છે. આને પગલે નાગરિકોમાં નવચૈતન્યનો સંચાર થયો છે.’
વેદાંતા-ફૉક્સવૅગનનો કરોડો રૂપિયાનો સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં જતો રહ્યો એ વિશે તેમણે કહ્યું હતું કે ‘એક ઉદ્યોગ રાજ્યની બહાર ગયો તો શું? રાજ્યને બીજા ચડિયાતા પ્રોજેક્ટ્સ મળશે.’
છેલ્લાં અઢી વર્ષમાં રાજ્યમાં આવેલા ઉદ્યોગોની યાદી જોવી જરૂરી છે એમ તેમણે સ્વર્ગીય મરાઠી નેતા અન્નાસાહેબ પાટીલની સ્મૃતિમાં નવી મુંબઈમાં યોજાયેલી સભાને સંબોધતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમે અહીં સત્ય માટે આવ્યા છીએ, નહીં કે સત્તા માટે. આ સરકાર ડબલ એન્જિન સરકાર છે અને વિક્ષેપ ઊભો કરનારાઓ એનાથી ભય અનુભવે છે.’
એની સાથે જ તેમણે કહ્યું હતું કે ‘અમારી સરકારનો કોઈ અંગત એજન્ડા નથી. અમે રાજ્યના તમામ વર્ગોના લોકોના સર્વાંગી વિકાસ માટે કામ કરી છીએ અને રાજ્ય સંતુલિત વિકાસ કરે એમ ઇચ્છીએ છીએ.’