Maharashtra Budget 2025: મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે સોમવારે 2025-26 સત્ર માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું, જેમાં મુંબઈ મેટ્રોને લઈને મોટો નિર્ણય જાહેર કરાયો હતો. અજિત પવારે 2025-26 માટે કુલ 7,20,000 કરોડનું બજેટ રજૂ કર્યું છે.
અજિત પવાર અને નાણા રાજ્યમંત્રી આશિષ જયસ્વાલ દ્વારા બજેટ 2025-26ની રજૂઆત (તસવીર સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે સોમવારે 2025-26 સત્ર માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું, જેમાં મુંબઈ મેટ્રોને લઈને મોટો નિર્ણય જાહેર કરાયો હતો. તેમણે જાહેરાત કરી કે મુંબઈ મેટ્રો હવે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (CSMIA) ને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ સાથે જોડશે.
ટ્રાન્સપોર્ટેશન માટે મોટા ફંડની ફાળવણી
અજિત પવારે કહ્યું કે રાજયમાં હાઇવે, બંદરો, ઍરપોર્ટ, વોટરવેઝ, બસ ટ્રાન્સપોર્ટ, રેલવે અને મેટ્રોને પૂરતું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોતાનું વચન આપ્યું છે.
ADVERTISEMENT
વાઢવણ પોર્ટ અને સમૃદ્ધિ મહામાર્ગનું જોડાણ
અજિત પવારે વધુમાં જણાવ્યું કે મુંબઈ માટે ત્રીજા ઍરપોર્ટની યોજના બની રહી છે અને સાથે જ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે એક સ્ટેશન વાઢવણ પોર્ટ નજીક બનાવાશે. આ પોર્ટને સમૃદ્ધિ મહામાર્ગ સાથે પણ જોડવામાં આવશે.
વાઢવણ પોર્ટ 2030 સુધી કાર્યરત થશે
મહારાષ્ટ્ર સરકાર પાલઘર જિલ્લાના વાઢવણ પોર્ટને 2030 સુધી કાર્યરત કરવાની યોજના બનાવી રહી છે, જે મહારાષ્ટ્રના લોજિસ્ટિક્સ અને ટ્રેડ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.
મુંબઈ, પુણે અને નાગપુર માટે મેટ્રો લાઇન
અજિત પવારે કહ્યું કે મુંબઈ, પુણે અને નાગપુરમાં કુલ 143.57 કિલોમીટરની મેટ્રો લાઇનનો વિકાસ કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં કુલ 64.4 કિલોમીટરની મેટ્રો લાઇન કાર્યરત થશે, જેમાં પુણેનાં 23.2 કિલોમીટરની મેટ્રો લાઇનનો પણ સમાવેશ થાય છે.
નવી મુંબઈ ઍરપોર્ટનું 85% કામ પૂર્ણ
અજિત પવારે વધુમાં કહ્યું કે ઉલવે વિસ્તારમાં 1,160 હેક્ટરની જમીન પર બનાવવામાં આવી રહેલા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનું કામ 85 ટકા પૂર્ણ થઈ ગયું છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર એપ્રિલ 2025થી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ કાર્યરત થશે. બજેટ ભાષણ દરમિયાન, અજિત પવારે શિરડી ઍરપોર્ટ માટે રાત્રે લેન્ડિંગ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. અજિત પવારે 2025-26 માટે કુલ રૂ. 7,20,000 કરોડનું બજેટ રજૂ કર્યું, જેમાં આવકમાં રૂ. 5,60,964 કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો છે અને ખર્ચ 6,06,855 કરોડ રૂપિયા રહેશે. આ મુજબ રાજ્ય ભંડોડમાંથી 45,891 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
વર્ષ 2025-26 માટે મુખ્ય યોજનાઓ અને બજેટ ફાળવણી
રાજ્ય સરકારે વાર્ષિક યોજનાના બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો છે. બજેટની રકમ જે 2024-25માં રૂ. 1,42,582 કરોડ હતી તેને વધારી 2025-26માં રૂ. 1,90,242 કરોડ કરવામાં આવી છે, જે 33% વધારો દર્શાવે છે.
પ્રમુખ ફાળવણી:
અનુસૂચિત જાતિ વિકાસ યોજના: રૂ. 22,568 કરોડ (42% વધારો)
આદિવાસી વિકાસ યોજના: રૂ. 21,495 કરોડ (40% વધારો)
જિલ્લા વાર્ષિક યોજના: રૂ. 20,165 કરોડ (11% વધારો)
વિભાગવાર બજેટ ફાળવણી:
મહિલા અને બાળ વિકાસ: રૂ. 31,907 કરોડ
ઊર્જા (વિદ્યુત વિભાગ): રૂ. 21,534 કરોડ
રસ્તા વિભાગ: રૂ. 19,079 કરોડ
પાણી પુરવઠો વિભાગ: રૂ. 15,932 કરોડ
ગ્રામ વિકાસ: રૂ. 11,480 કરોડ
શહેર વિકાસ: રૂ. 10,629 કરોડ
કૃષિ વિભાગ: રૂ. 9,710 કરોડ

