મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાની રકમમાં વધારો રાજ્યના આગામી બજેટમાં જ વિચારી શકાશે. જોકે આજે નાણાપ્રધાન અજિત પવાર રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે
દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે ગયા ડિસેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યાર બાદની પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાની રકમમાં વધારો રાજ્યના આગામી બજેટમાં જ વિચારી શકાશે. જોકે આજે નાણાપ્રધાન અજિત પવાર રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે એમાં લાડકી બહિણ યોજનાની અત્યારની ૧૫૦૦ રૂપિયાની રકમ ૨૧૦૦ રૂપિયા કરવાની શક્યતા ઓછી હોવાનું સૂત્રોએ કહ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ સરકાર અત્યારે ફિસ્કલ ડેફિસિટ GSDPના ૩ ટકાની અંદર રહે એના પર વધુ ધ્યાન આપી રહી છે. આ કરવા માટે ફાઇનૅન્સમાં બૅલૅન્સિંગ કરવું જરૂરી છે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચમાં ઘટાડો નહીં કરી શકે.
ગયા અઠવાડિયે મહિલા અને બાલકલ્યાણ પ્રધાન અદિતિ તટકરેએ વિધાન પરિષદમાં કહ્યું હતું કે ‘સરકારે ક્યારેય નહોતું કહ્યું કે લાડકી બહિણ યોજનાની રકમમાં વધારો બજેટમાં કરવામાં આવશે. ચૂંટણીના મૅનિફેસ્ટોમાં આપેલાં વચન પાંચ વર્ષમાં પૂરાં કરવામાં આવશે એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું.’

