ઉદ્ધવ ઠાકરેએ દહિસર બેઠકની ઉમેદવારી ઘોસાળકર પરિવારને આપીને કહ્યું...
માતોશ્રીમાં ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ ઘોસાળકર પરિવારને ઉમેદવારી ફૉર્મ આપ્યું હતું.
દહિસર વિધાનસભા બેઠક માટે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ગઈ કાલે ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરના પરિવારને માતોશ્રીમાં ઉમેદવારી ફૉર્મ આપ્યું હતું. જોકે એમાં વિનોદ ઘોસાળકર કે સદ્ગત અભિષેક ઘોસાળકરની પત્ની તેજસ્વી એ બન્નેમાંથી કોઈનું નામ લખવામાં નહોતું આવ્યું. વિનોદ ઘોસાળકર અને પુત્રવધૂ તેજસ્વી વચ્ચે ચૂંટણી લડવા માટે રસ્સીખેંચ થઈ રહી છે એ જાણીને ઉદ્ધવ ઠાકરેએ ઘોસાળકર પરિવારને આ બાબતનો નિર્ણય લેવાનું કહ્યું હતું. ઉમેદવારી ફૉર્મ તો મળી ગયું છે, પણ હવે દહિસર વિધાનસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીનાં બે ટર્મથી વિધાનસભ્ય મનીષા ચૌધરી સામે કોણ લડશે એ ઉમેદવારી નોંધાવવામાં આવશે ત્યારે જ જાણી શકાશે.
ઉલ્લેખનીય છે કે વિનોદ ઘોસાળકરના નગરસેવક પુત્ર અભિષેકની ૮ ફેબ્રુઆરીએ કોઈક અદાવતમાં હત્યા કરી નાખવામાં આવી હતી. મૉરિસ નોરોન્હાએ ફેસબુક લાઇવ કરીને અભિષેક ઘોસાળકરની ગોળી મારીની હત્યા કરી હતી અને બાદમાં પોતાના લમણે પણ ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. વિધાનસભાની ચૂંટણી લડવા માટે સસરા વિનોદ ઘોસાળકર અને પુત્રવધૂ તેજસ્વી વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોવાનું ઘણા સમયથી કહેવાતું હતું, જે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે સમક્ષ ઉજાગર થઈ ગયું હતું.