સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટમાં ૧૮૯ લોકોએ જીવ ગુમાવ્યા, પણ કાતિલ કોઈ નહીં; બારેબાર આરોપીઓ છૂટી ગયા
ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટના નિર્ણય બાદ પ્રેસ-કૉન્ફરન્સ લીધી હતી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ આ બાબતે કહ્યું હતું કે ‘મેં આ સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરી છે. તેમણે કહ્યું હતું કે હાઈ કોર્ટે જે નિર્ણય આપ્યો છે એ બહુ જ આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટમાં ટૉપમોસ્ટ ઍડ્વોકેટની મદદ લઈશું. અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટમાં અમને ન્યાય મળશે.’
સરકાર હાઈ કોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને પડકારશે એમ જણાવ્યું હતું.
ADVERTISEMENT
જ્યારે પત્રકારે તેમને પૂછ્યું કે આ કેસની તપાસ કરવામાં ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડે શું પુરાવા ઓછા આપ્યા? એના જવાબમાં કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘આ જ તપાસ-એજન્સી હતી, આ જ પુરાવા હતા, આ જ એવિડન્સ હતા અને આ જ દલીલો કરાઈ હતી અને એના પર નીચેની કોર્ટે (ટાડા) નિર્ણય આપ્યો હતો. આરોપીઓને ફાંસીની સજા પણ સંભળાવી હતી. ધારો કે ઇન્વેસ્ટિગેશન, લીગલ રીપ્રેઝન્ટેશન ક્યાંક વધુ-ઓછુ થયું હોઈ શકે. સુપ્રીમ કોર્ટમાં અમે અમારી બાજુ મૂકીશું. જો જરૂર જણાશે તો મારા બે વિક્ટિમ મિત્રો સાથે અમે પણ સુપ્રીમ કોર્ટમાં પાર્ટી (પક્ષકાર) બનીશું. અમને વિશ્વાસ છે, અમને ન્યાય મળશે. અમે બધા જ આઘાતમાં છીએ. આ પ્રકારનો ચુકાદો જીવનમાં પહેલી વાર જોયો. આટલો મોટો આતંકવાદી હુમલો, બધાને ખબર છે, એના વિઝ્યુઅલ્સ છે. પર્સનલી ખબર છે એ પછી પણ કોર્ટનો આ પ્રકારનો નિર્ણય અને એ પણ નીચલી કોર્ટે તેનો ચુકાદો આપ્યા પછી, કોર્ટના આ નિર્ણયથી અમે ખુશ નથી, અમને એ યોગ્ય પણ લાગતો નથી અને એથી જ ખાતરી પણ છે કે સુપ્રીમ કોર્ટમાં અમને ન્યાય મળશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ટૉપના લીગલ એક્સપર્ટ્સની સલાહ લેવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં તરત જ અપીલ કરવામાં આવશે.’
ફાંસીની સજા પામેલા આરોપીઓ અને તેમના પરના આરોપ
૧. કમાલ અહમદ અન્સારી : બિહારના મધુબની ડિસ્ટ્રિક્ટમાં રહેતો હતો. તેના પર આરોપ હતો કે તેણે પાકિસ્તાનમાં જઈને હથિયાર ચલાવવાની ટ્રેઇનિંગ લીધી હતી. એ ઉપરાંત માટુંગામાં જે બ્લાસ્ટ થયો એ બૉમ્બ તેણે પ્લાન્ટ કર્યો હોવાનો તેના પર આરોપ હતો. ૨૦૨૧માં ૫૦ વર્ષની ઉંમરે તેનું જેલમાં જ મૃત્યુ થયું હતું.
૨. મોહમ્મદ ફૈઝલ રહમાન શેખ : ૫૦ વર્ષ. મીરા રોડમાં રહેતો હતો. આખું કાવતરું ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો તેના પર આરોપ હતો અને પ્રોસિક્યુશનનો દાવો હતો કે તેને પાકિસ્તાનથી પૈસા મળ્યા હતા. બૉમ્બ તેણે બનાવ્યો હતો અને એક ટ્રેનમાં પ્લાન્ટ પણ કર્યો હતો.
૩. એહતેશામ સિદ્દીકી : ૪૨ વર્ષ. ટ્રેનોમાં રેકી કરી હતી અને મીરા-ભાઈંદર વચ્ચે જે બૉમ્બ-બ્લાસ્ટ થયો એ તેણે પ્લાન્ટ કર્યો હતો એવો તેના પર આરોપ હતો.
૪. નાવેદ હુસેન ખાન રાશિદ : ૪૪ વર્ષ. સિકંદરાબાદમાં રહેતો હતો. કૉલ સેન્ટરમાં કામ કરતો હતો. બૉમ્બ ઍસેમ્બલ કર્યો હતો. બાંદરામાં જે બ્લાસ્ટ થયો એ બૉમ્બ તેણે પ્લાન્ટ કર્યો હતો એવો તેના પર આરોપ હતો.
૫. આસિફ ખાન બશીર ખાન : ૫૨ વર્ષ. બૉમ્બ બનાવવામાં મદદ કરી હોવાનો આરોપ હતો. બોરીવલીમાં જે બ્લાસ્ટ થયો હતો એ બૉમ્બ તેણે પ્લાન્ટ કર્યો હોવાનો તેના પર આરોપ હતો. તે જળગાવનો રહેવાસી હતો અને સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI)નો મહત્ત્વનો સભ્ય હતો.
જેમને આજીવન કારવાસની સજા થઈ હતી તેમના પર કયો આરોપ હતો?
૧. તન્વીર અહમદ અન્સારી : ૫૦ વર્ષ. મુંબઈના આગ્રીપાડાનો રહેવાસી હતો. પાકિસ્તાનના ટેરર-કૅમ્પની મુલાકાત લીધી અને ટ્રેનોની રૅકી કરી હોવાનો તેના પર આરોપ હતો.
૨. મોહમ્મદ શફી : ૪૬ વર્ષ. હવાલા રૅકેટ ચલાવતો હતો અને બ્લાસ્ટ માટે પાકિસ્તાનથી પૈસા મેળવ્યા હોવાનો તેના પર આરોપ હતો.
૩. શેખ મોહમ્મદ અલી આલમ : ૫૫ વર્ષ. ગોવંડીમાં તેના ઘરમાં છૂપી રીતે ભારત આવેલા પાકિસ્તાનીઓની મદદથી બૉમ્બ બનાવવામાં આવ્યા હતા. તે SIMIનો પણ સભ્ય હતો.
૪. મોહમ્મદ સાજિદ અન્સારી : ૭ર વર્ષ. મીરા રોડ રહેતો હતો. બૉમ્બ માટે ટાઇમર લાવવાનો અને એને બૉમ્બમાં ઍસેમ્બલ કરવાનો તેના પર આરોપ હતો. બે પાક્સ્તિાનીઓને ગેરકાયદે લાવવા-લઈ જવામાં તેણે મદદ કરી હતી.
૫. મુઝમ્મિલ રહમાન શેખ : ૪૦ વર્ષ. આ કેસનો સૌથી નાનો આરોપી. સૉફ્ટવેર એન્જિનિયર. પાકિસ્તાનમાં ટ્રેઇનિંગ લીધી અને જે ટ્રેનને ટાર્ગેટ કરવાની હતી એની રેકી કરવાનો આરોપ તેના પર હતો. તેના બે ભાઈ ફૈઝલ અને રાહિલ પર આ કાવતરું ઘડવાનો આરોપ હતો. જોકે એ બન્ને ક્યારેય પકડાયા નહીં.
૬. સુહેલ મહમૂદ શેખ : ૫૫ વર્ષ. પાકિસ્તાનમાં હથિયાર ચલાવવાની ટ્રેઇનિંગ લીધી હોવાનો અને ટ્રેનોની રૅકી કરવાનો તેના પર આરોપ હતો.
૭. ઝમીર રહમાન શેખ : કાવતરું ઘડવાની જે બેઠકો થતી હતી એમાં હાજરી આપતો હતો અને પાકિસ્તાનમાં જઈને ટ્રેઇનિંગ લીધી હોવાનો તેના પર આરોપ હતો.

