જુનિયર ડૉક્ટરના આ ખુલાસા બાદ જે. જે. હૉસ્પિટલના બધા રેસિડન્ટ ડૉક્ટરોએ હૉસ્પિટલ પ્રશાસનના આવા દુર્વ્યવહાર વિરુદ્ધ હડતાળ પર ઊતર્યા હતા
ગઈ કાલે સ્ટ્રાઇક પર ઊતરેલા જે. જે. હૉસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટરો.
જે. જે. હૉસ્પિટલમાં બાળકોના વિભાગમાં કાર્યરત મહિલા ડૉક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ જે. જે. હૉસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સ શનિવારે હડતાળ પર ઊતર્યા હતા. એક જુનિયર ડૉક્ટરે કહ્યું હતું કે હૉસ્પિટલનું તંગ વાતાવરણ અને કામ માટે અપાતા માનસિક ત્રાસને લીધે તેણે આ પગલું ભર્યું હતું. જુનિયર ડૉક્ટરના આ ખુલાસા બાદ જે. જે. હૉસ્પિટલના બધા રેસિડન્ટ ડૉક્ટરોએ હૉસ્પિટલ પ્રશાસનના આવા દુર્વ્યવહાર વિરુદ્ધ હડતાળ પર ઊતર્યા હતા જેને મહારાષ્ટ્ર સિનિયર રેસિડન્ટ ડૉક્ટર્સ અસોસિએશન (MSRDA)એ ટેકો આપ્યો હતો.
MSRDAના જણાવ્યા મુજબ આ માત્ર એક જ ઘટના નથી, સત્તાનો દુરુપયોગ કરીને ડૉક્ટરોને માનસિક ત્રાસ આપવાની અને કામકાજના વાતાવરણને પ્રતિકૂળ બનાવવાની આવી ઘટનાઓ લાંબા સમયથી ડિપાર્ટમેન્ટમાં ચાલી રહી છે. એથી આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ આવે એના પર MSRDAએ ભાર મૂક્યો હતો. જો જલદી ઉકેલ નહીં આવે તો આ રીતે જુનિયર ડૉક્ટરોના જીવ જોખમમાં મુકાશે જેની જવાબદારી જે. જે. હૉસ્પિટલની રહેશે એવું પણ તેમણે ઉમેર્યું હતું.
ADVERTISEMENT
બાળકોના વિભાગના હેડને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી માગણી પણ તેમણે કરી હતી.
થોડા દિવસ અગાઉ જે. જે. હૉસ્પિટલના એક ડૉક્ટરે અટલ સેતુ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ૧૫ દિવસમાં બીજો કેસ બન્યા બાદ હૉસ્પિટલ તરફથી થતી હેરાનગતિ અટકે એ માટે ડૉક્ટરોએ હડતાળનો રસ્તો અપનાવ્યો હતો.

