શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને આઇ લવ જિનશાસન ફાઉન્ડેશનનું આયોજન: વિહાર દરમ્યાન સ્વરક્ષા માટે સાધ્વીજી મહારાજસાહેબોને તો એકાદ વર્ષથી અપાઈ રહી છે ઇઝરાયલી સિસ્ટમ ક્રવ મગાની તાલીમ : સાધુભગવંતો માટે પણ શરૂઆત થઈ છે અને આગળ જતાં જૈન ભાઈઓને પણ મળશે પ્રશિક્ષણ
ડોમ્બિવલીમાં આયોજિત ક્રવ મગા સેલ્ફ-ડિફેન્સ વર્કશૉપમાં મહિલાઓએ ટ્રેઇનિંગ લીધી હતી.
સમાજમાં હાલતાંચાલતાં મહિલાઓ પર વધતાજતા હુમલા સામે રક્ષણ મેળવવા જૈન મહિલાઓએ હવે સેલ્ફ-ડિફેન્સ ટેક્નિક શીખવાની તૈયારી શરૂ કરી દીધી છે અને એ માટેની પહેલી વર્કશૉપનું આયોજન ડોમ્બિવલીમાં કરવામાં આવ્યું હતું. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને આઇ લવ જિનશાસન (ILJ) ફાઉન્ડેશન દ્વારા જૈન મહિલાઓ માટે ઇઝરાયલની ક્રવ મગા સેલ્ફ-ડિફેન્સ ટેક્નિક શીખવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિમલકીર્તિસૂરીશ્વરજી મહારાજસાહેબના આશીર્વાદથી અને મુનિરાજ શ્રી મુક્તિમંડનવિજયજી મહારાજસાહેબની પ્રેરણાથી આ આયોજન શ્રી જય નેમિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના નેહરુ મેદાનના ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
ક્રવ મગાની વિવિધ ટેક્નિક શીખી રહેલી મહિલાઓ.


શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન એ સમગ્ર મુંબઈના અંદાજે ૮૫૦ જૈન સંઘોનું ફેડરેશન છે. જૈનો માટે સેલ્ફ-ડિફેન્સ વર્કશૉપ કરાવવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે જણાવતાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર કમલેશ શાહ ‘મિડ-ડે’ને જણાવે છે, ‘છેલ્લા એક વર્ષથી અમે સંઘો અને ગુરુ-મહાત્માઓની સહમતીથી ખાસ સાધ્વીજી મહારાજસાહેબ માટે વિહાર દરમ્યાન કોઈ પણ પ્રકારની છેડછાડ કે અયોગ્ય ઘટનાની સ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે એ માટે આ પ્રકારની ટ્રેઇનિંગનું આયોજન કરી રહ્યા છીએ. અંદાજે ૩૫૦થી વધુ સાધ્વી મહારાજસાહેબને આ ટ્રેઇનિંગ અત્યાર સુધી આપવામાં આવી છે. એ દરમ્યાન અમને વિચાર આવ્યો કે આ ટ્રેઇનિંગ ફક્ત સાધ્વીજી મહારાજ પૂરતી મર્યાદિત ન રાખતાં સમાજની જૈન બહેનોને પણ આમાં સામેલ કરવી. હાલના કાળમાં રોજિંદા ટ્રાવેલ દરમ્યાન ચોરી, લૂંટફાટ, ઝઘડા કે છેડતીના કેટલાય બનાવ બને છે. વિહાર દરમ્યાન વિહારસેવિકાઓ સાથે પણ આ પ્રકારના બનાવ બને છે. આવી પરિસ્થિતિમાં તેઓ પોતાનો બચાવ કરી શકે એ ખૂબ જરૂરી છે. આથી અમે વિચાર્યું કે ડોમ્બિવલીથી આ ટ્રેઇનિંગની શરૂઆત કરવી અને અમે વર્કશૉપનું આયોજન કર્યું. અમે આ વર્કશૉપ હાલમાં ‘ન નફો ન નુકસાન’ના ધોરણે ચલાવી રહ્યા છીએ. દાતાઓના સહયોગથી અમે જેટલી થઈ શકે એટલી રાહત આ વર્કશૉપની ફીમાં આપી રહ્યા છીએ. મહારાજસાહેબ સાથે રહેતી વિહારસેવિકાઓ અને મુમુક્ષુઓ માટે પણ અમે આ ટ્રેઇનિંગ માટે કોઈ ચાર્જ નથી લઈ રહ્યા. એ ઉપરાંત સમાજની જરૂરિયાતમંદ વ્યક્તિઓને અમે આ વર્કશૉપમાં ફીમાં રાહત આપી રહ્યા છીએ અને આગળ પણ અમારો એ જ ઉદ્દેશ રહેશે. ડોમ્બિવલીથી વર્કશૉપ શરૂ કરીને હવે અમારી ઇચ્છા મુંબઈ, મહારાષ્ટ્ર અને ત્યાર બાદ સંપૂર્ણ ભારતને આવરી લેવાની છે. હમણાં અમે સાધુ-ભગવંતો માટે આ ટ્રેઇનિંગ આપવાની શરૂઆત કરી છે અને આગળ જતાં જૈન ભાઈઓ માટે પણ શરૂ કરવાની યોજના છે.’
ILJ ફાઉન્ડેશનના ડિરેક્ટર પ્રદીપ મહેતાએ ડોમ્બિવલીમાં યોજાયેલી આ વર્કશૉપ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ડોમ્બિવલીમાં અમે અમારી સૌપ્રથમ વર્કશૉપની શરૂઆત ૮ જૂનથી કરી હતી. આશરે ૧૨ દિવસ ચાલેલી આ વર્કશૉપ ખાસ ૧૩થી ૪૫ વર્ષની બહેનો માટે આયોજિત કરવામાં આવી હતી, પણ એમાં એનાથી વધુ ઉંમર ધરાવતી બહેનોએ પણ ભાગ લીધો હતો. એકંદરે ૫૭ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દરરોજ આશરે પોણાબે કલાક ક્રવ મગા ટેક્નિકની ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી. રોજિંદા જીવનમાં આવતાં-જતાં કયા પ્રકારની ઘટનાઓ એક મહિલા સાથે ઘટી શકે એ માટે અવેરનેસ અને એનાથી કઈ રીતે સેલ્ફ-ડિફેન્સ અથવા અટૅક કરીને બચી શકાય છે એ સંપૂર્ણ માહિતી પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ સાથે સૌને આપવામાં આવી હતી. આ વર્કશૉપમાં ભાગ લેનારાઓ પાસેથી અમને ખૂબ સારા રિસ્પૉન્સ મળ્યા હતા. ખાસ કરાડથી બે મુમુક્ષુઓ પણ અમારી વર્કશૉપમાં જોડાયા હતા.’
મુનિરાજ શ્રી મુક્તિમંડનવિજયજી મહારાજસાહેબે સેલ્ફ-ડિફેન્સ ટ્રેઇનિંગની જરૂરિયાત પર ભાર આપતાં જણાવ્યું હતું કે ‘જૈનો અહિંસામાં માને છે. હંમેશાં અહિંસાના માર્ગ પર જ ચાલવું જોઈએ; પરંતુ હાલના સંજોગોમાં સ્વરક્ષણ, ધર્મરક્ષણ, સંસ્કૃતિરક્ષણ અને દેશના રક્ષણ માટે આ પ્રકારની સેલ્ફ-ડિફેન્સ ટ્રેઇનિંગ દરેક જૈન શ્રાવિકા માટે જરૂરી છે. કોઈ સાથે લડાઈ કરવી એ સૌથી છેલ્લો વિકલ્પ છે, પણ એ માટે પહેલાં જાગૃતિ જરૂરી છે.’
શું છે ક્રવ મગા ટેક્નિક?
ક્રવ મગા એ ઇઝરાયલી ક્રવ ઇન્ટરનૅશનલ સંસ્થા દ્વારા વિકસાવાયેલી એક સ્ટ્રીટ-સર્વાઇવલ અને સેલ્ફ-ડિફેન્સ સિસ્ટમ છે. ઇઝરાયલમાં જઈને આ ટ્રેઇનિંગ લેનાર અને આ વર્કશૉપના ટ્રેઇનર ધવલ વોરા કહે છે, ‘ક્રવ મગા એ સ્ટ્રીટ-સર્વાઇવલ એટલે કે રોજિંદી જિંદગીમાં થતા અસલ હુમલા સામે જાગ્રત રહેવા અને પોતાનું રક્ષણ કરવાની પદ્ધતિ છે. આ કોઈ માર્શલ આર્ટ ટ્રેઇનિંગ નથી. સૌથી મોટી વાત એ છે કે આ ટ્રેઇનિંગ માટે અગાઉનો કોઈ પણ અનુભવ જરૂરી નથી. કોઈ પણ ઉંમર કે વજન ધરાવતાં કોઈ પણ સ્ત્રી-પુરુષ આ ટ્રેઇનિંગમાં ભાગ લઈ શકે છે. આ ટ્રેઇનિંગમાં અમે ટ્રેનમાં વાળ ખેંચીને થતા હુમલાથી કેવી રીતે બચવું, હેલ્મેટથી થતા હુમલાનો પ્રતિસાદ કઈ રીતે આપવો, રસ્તા પર ફોન કેવી રીતે સંભાળવો અને આસપાસની કોઈ પણ ચીજનો રક્ષણ માટેના હથિયાર તરીકે કઈ રીતે ઉપયોગ કરવો એ શીખવીએ છીએ. ૧૨-૧૩ દિવસ જેટલા ઓછા સમયમાં આ ટ્રેઇનિંગ સહેલાઈથી શીખી શકાય છે. આ અભિયાન જૈન સમાજમાં આત્મવિશ્વાસ અને આત્મસુરક્ષા માટે એક નવી દિશા તરફનું પગલું છે.’


