Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના મુનિરાજ ભવ્યપ્રેમ વિજયજી મહારાજ કાળધર્મ પામ્યા

ઘાટકોપરમાં શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના મુનિરાજ ભવ્યપ્રેમ વિજયજી મહારાજ કાળધર્મ પામ્યા

Published : 04 September, 2026 09:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંતિમ દર્શન અને પાલખી પ્રસંગે સાધુ-સાધ્વી ભગવંતો અને આચાર્ય ભગવંતોની મોટી સંખ્યામાં હાજરી : આજે સવારે ૯ વાગ્યે સામુદાયિક ગુણાનુવાદ સભા

પૂજ્ય મુનિરાજ ભવ્યપ્રેમ વિજયજી મહારાજસાહેબ

પૂજ્ય મુનિરાજ ભવ્યપ્રેમ વિજયજી મહારાજસાહેબ


શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાનુવર્તી, પૂજ્ય આચાર્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તથા વર્ધમાનતપોનિધિ પૂજ્ય ગુરુદેવ કલ્યાણબોધિ મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજ ભવ્યપ્રેમ વિજયજી મહારાજસાહેબ ગઈ કાલે મધરાતે ૧.૪૪ વાગ્યે ઘાટકોપર (ઈસ્ટ)ની નાયડુ કૉલોનીના શ્રી ગોડી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ ઉપાશ્રયમાં સમાધિભાવે ચતુર્વિધ સંઘની હાજરીમાં કાળધર્મ પામ્યા હતા. મુનિરાજ આ સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા. આજે ગુણાનુવાદ સભા યોજાશે.
પૂજ્ય ભવ્યપ્રેમ વિજયજી મહારાજનાં અંતિમ દર્શન તથા પાલખી પ્રસંગે વિવિધ સ્થળેથી આચાર્ય ભગવંતો સહિત મોટી સંખ્યામાં સાધુ-સાધ્વી ભગવંતો ઉપસ્થિત રહ્યાં હતાં. આચાર્ય પદ્‍‍મસુંદરસૂરીશ્વરજી, આચાર્ય વિરાગરત્નસૂરીશ્વરજી, આચાર્ય પ્રેમસુંદરસૂરીશ્વરજી તથા આચાર્ય અરિજીતશેખરસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રા પ્રાપ્ત થઈ હતી. વર્ધમાનતપોનિધિ કલ્યાણબોધિ મહારાજ, પંન્યાસ યશકલ્યાણ મહારાજ અને પંન્યાસ કૃપારત્ન મહારાજ સહિત અનેક શ્રમણ ભગવંતો ઉપસ્થિત 
રહ્યા હતા.
ગઈ કાલે મુનિરાજની પાલખી સભામાં આચાર્ય ભગવંતોએ સદ્ગત મુનિરાજના જીવન અને ગુણોનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આચાર્ય પદ્‍‍મસુંદરસૂરીશ્વરજી મહારાજે ઇચ્છા, મૂર્છા અને હિંસાના ત્યાગ તથા પૂજ્યશ્રીના ઉત્કૃષ્ટ વિવેકની વાત કરી હતી. આચાર્ય અરિજીતશેખરસૂરીશ્વરજીએ જીવનની ક્ષણભંગુરતા અને આધ્યાત્મિક જાગૃતિનું મહત્ત્વ સમજાવ્યું હતું. આચાર્ય પ્રેમસુંદરસૂરીશ્વરજીએ તેમના પ્રસન્ન સ્વભાવ, પરોપકાર અને આત્મિક આનંદને યાદ કર્યા હતા. 
પૂજ્ય ગુરુદેવ કલ્યાણબોધિ મહારાજે પોતાના શિષ્યના સંયમજીવનમાં રહેલા સમર્પણ અને નમ્રતાનું સ્મરણ કર્યું હતું.
પંન્યાસ કૃપારત્ન મહારાજે ભાવુક હૈયે પોતાના સંસારી પિતા તરીકેના સ્નેહ, મિત્રતા અને આધ્યાત્મિક માર્ગદર્શનનાં સંસ્મરણો રજૂ કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે અંતિમ સમયે ૬થી ૭ કલાક સુધી ચતુર્વિધ શ્રી સંઘ દ્વારા નવકાર મંત્રની ધૂન અને જાપ કરવામાં આવ્યાં હતાં. ગંભીર બીમારી વચ્ચે પણ પૂજ્ય ભવ્યપ્રેમ મહારાજે અંતિમ ક્ષણ સુધી પ્રસન્નતા જાળવી રાખી હતી.

પરિવારના તમામ સભ્યો સંયમમાર્ગે
પૂજ્ય ભવ્યપ્રેમ વિજયજી મહારાજના સંસારી પરિવારની વિશેષતા એ છે કે તેમના પુત્ર પંન્યાસ કૃપારત્ન મહારાજ, ધર્મપત્ની પૂજ્ય સાધ્વીજી નિર્મલયશાશ્રીજી મહારાજ તથા બન્ને દીકરીઓ પૂજ્ય સાધ્વીજી પદ્મયશાશ્રીજી અને પૂજ્ય સાધ્વીજી રત્નયશાશ્રીજીએ પણ દીક્ષા અંગીકાર કરી છે. પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ પૂર્વે સુરતથી વિહાર કરીને મુંબઈ પધાર્યાં હતાં અને ચાતુર્માસ દરમ્યાન તેમની વૈયાવચ્ચમાં સતત જોડાયેલાં રહ્યાં હતાં.



પરોપકાર અને શાસનસેવા
પૂજ્ય ભવ્યપ્રેમ વિજયજી મહારાજે નવકાર મંત્ર લેખન, સાધુભક્તિ, સાધર્મિક ભક્તિ અને જીવદયાનાં અનેક કાર્યો દ્વારા શાસનની સેવા કરી હતી. નમસ્તે ફાઉન્ડેશનના માધ્યમથી વિવિધ પરોપકારી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. અમદાવાદના જીવનભાઈ જગદીશદાસ ચૅરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકો માટે ભોજન-પોષણ તથા જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરવામાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.


ગુણાનુવાદ સભા આજે
પૂજ્ય ભવ્યપ્રેમ વિજયજી મહારાજસાહેબની સામુદાયિક ગુણાનુવાદ સભા આજે સવારે ૯ વાગ્યે ઘાટકોપર (ઈસ્ટ)ની નાયડુ કૉલોનીના ઉપાશ્રયમાં યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK