ઑસ્ટ્રેલિયાના પર્થમાં ૧૩ વર્ષના ઑસ્ટિન એપલ્બી નામના ટીનેજરે પોતાના પરિવારને બચાવવા માટે જીવની બાજી લગાવી દીધી હતી
ઑસ્ટિન એપલ્બી તેના પરિવાર સાથે.
ઑસ્ટ્રેલિયાના પર્થમાં ૧૩ વર્ષના ઑસ્ટિન એપલ્બી નામના ટીનેજરે પોતાના પરિવારને બચાવવા માટે જીવની બાજી લગાવી દીધી હતી. તેની મમ્મી જોઆન, ભાઈ બ્યુ અને બહેન ગ્રેસ સાથે તે દરિયામાં વેકેશન મનાવવા ગયો હતો અને તેઓ પરિવાર સાથે કાયાકમાં મજા કરી રહ્યાં હતાં ત્યારે અચાનક જ એટલું તેજ મોજું આવ્યું કે આખો પરિવાર કાયાકમાંથી ઊથલીને સમુદ્રના પાણીમાં પડી ગયો. લહેરોને કારણે પરિવારના ત્રણ સભ્યો દૂર સમુદ્રમાં ફંગોળાઈ ગયા અને તટથી ખૂબ દૂર થઈ ગયા. ઑસ્ટિને વિચાર્યું કે જો તટ પર પહોંચીને તે પરિવાર માટે મદદ લાવી શકે તો પરિવાર બચી જાય. તે ઠંડા પાણીમાં તરવા લાગ્યો. તેણે લાઇફ-જૅકેટ પહેર્યું હતું એને કારણે તેની તરવાની સ્પીડ ઘટી જતી હતી. એટલે તેણે જૅકેટ કાઢીને તરવાનું ચાલુ કર્યું જેથી તે ઝડપથી કિનારા સુધી પહોંચી શકે. ૪ કલાક સમુદ્રમાં તરીને તે તટ પર પહોંચ્યો ત્યારે લગભગ બેહાશ થઈ ગયો હતો. એમ છતાં ભાન ગુમાવે એ પહેલાં તેણે કોસ્ટગાર્ડને પોતાના પરિવારને બચાવવા માટે કહ્યું. તરત જ કોસ્ટગાર્ડની ટીમે હેલિકૉપ્ટરથી સમુદ્રમાં ક્યાં પરિવાર તરી રહ્યો છે એ શોધી કાઢ્યું અને મોટી નાવ ત્યાં મોકલીને ઑસ્ટિનની મા અને ભાઈ-બહેનને બચાવી લીધાં.


