સાકીનાકા અને ડોમ્બિવલીની ઘટના તાજી છે ત્યારે ચેમ્બુરમાં ૨૦ વર્ષની યુવતી પર લોખંડના સળિયાની ધાક બતાવીને કરવામાં આવ્યો બળાત્કાર
પ્રતીકાત્મક તસવીર
સાકીનાકામાં અને ડોમ્બિવલીમાં બળાત્કારના બનાવ બન્યા બાદ હવે વધુ એક બળાત્કારની ઘટના ચેમ્બુરના કૅમ્પ વિસ્તારમાં બની છે. ચેમ્બુર પોલીસે ફરિયાદ નોંધાયા બાદ ઝડપી તપાસ કરીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.
બળાત્કારની આ ઘટના વિશે માહિતી આપતાં ચેમ્બુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જયકુમાર સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે પરોઢિયે ચાર વાગ્યે યુવતી તેના બૉયફ્રેન્ડ સાથે મરીન લાઇન્સથી એક વાહનમાં આવી હતી. તેઓ કૅમ્પ વિસ્તારમાં ફર્યા હતાં અને ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે એ જ વિસ્તારનો રહેવાસી અને પહેલેથી યુવતીને ઓળખતો ૨૪ વર્ષનો આરોપી ધીરજ સિંહ ત્યાં આવી ચડ્યો હતો. તેના હાથમાં લોખંડના સળિયા જેવું હથિયાર હતું. તેને દારૂ પીવાની લત છે. તેણે યુવતીના બૉયફ્રેન્ડને ધમકી આપતાં ગભરાઈ ગયેલો બૉયફ્રેન્ડ યુવતીને એકલી મૂકીને તરત જ યુવતીના ઘરે તેની મમ્મીને જાણ કરવા દોડી ગયો હતો. ત્યાં નૅશનલ સર્વોદય સ્કૂલ પાસે આરોપીએ ત્યાર બાદ યુવતી પર બળાત્કાર કર્યો હતો અને નાસી ગયો હતો. યુવતી અને તેની મમ્મી ત્યાર બાદ પોલીસ સ્ટેશને આવ્યાં હતાં અને આરોપી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. યુવતીની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી છે. જોકે તેની તબિયત અન્ય રીતે બરાબર જણાતાં તેને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ નથી.’
આ કેસની વધુ માહિતી આપતાં જયકુમાર સૂર્યવંશીએ કહ્યું હતું કે ‘યુવતી આરોપીને ઓળખતી હતી એટલે તેના વિશે અમને માહિતી આપી હતી. આરોપી નાસી જાય એ પહેલાં અમે ઝડપી તપાસ કરીને તેને પકડી લીધો હતો. તેની સામે બળાત્કારનો ગુનો નોંધીને રવિવારે હૉલિડે કોર્ટમાં હાજર કર્યો હતો. હાલ કેસની વધુ તપાસ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મનીષા શિર્કે કરી રહ્યાં છે.’


