ચાલુ વર્ષે બીએમસીએ નાળાંની સફાઈ માટે બજેટમાં ૨૨૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં માત્ર મીઠી નદી માટે ૪૬ કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.

નાળાંની સફાઈ માટે બીએમસીએ બજેટમાં ૨૨૬ કરોડ રૂપિયા ફાળવ્યા
મુંબઈ ઃ ચાલુ વર્ષે બીએમસીએ નાળાંની સફાઈ માટે બજેટમાં ૨૨૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં માત્ર મીઠી નદી માટે ૪૬ કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. શહેરમાં ૩૦૯ મોટી ગટર અને ચાર નદી છે, જેની સરેરાશ લંબાઈ અંદાજે ૨૯૦ કિલોમીટર છે. શહેરમાં કુલ ૫૦૮ નાનાં નાળાંછે, જેની લંબાઈ ૬૦૫ કિલોમીટર છે. ગયા વર્ષે આ નાળાંમાંથી ૧૬૨ કરોડ રૂપિયાના ખર્ચે ૪.૬૩ લાખ ટન કચરો કાઢવામાં આવ્યો હતો. આ વર્ષે બીએમસીએ ૨૦૨૩-’૨૪ના બજેટમાં નાનાં નાળાં માટે ૯૦ કરોડ અને મોટાં નાળાં માટે ૯૦ કરોડ રૂપિયા જુદા ફાળવ્યા છે. નાળાં અને નદીઓ ઉપરાંત રસ્તાના કિનારે આવેલી ગટરોની લંબાઈ ૨૦૦૪ કિલોમીટર છે, જેનું કામ વૉર્ડ કે ઝોન સ્તરે સોંપવામાં આવ્યું છે.
કૉર્પોરેશને બે વર્ષ માટે ૮૭ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે, જેમાં પ્રતિ વર્ષ ૨.૭૦ લાખ ટન કચરો કાઢવાનો લક્ષ્યાંક ઠરાવાયો છે. આમાં ૭૦ ટકા કચરો ચોમાસા પહેલાં, ૨૦ ટકા વરસાદમાં અને ૧૦ ટકા વરસાદ બાદ કાઢવાનું ઠરાવાયું છે.
૭૫ ટકા નાળાંની સફાઈ વરસાદ પહેલાં કરવામાં આવે છે, ૧૦ ટકા વરસાદ દરમ્યાન અને ૧૫ ટકા વરસાદ પછી કરવામાં આવે છે. ચોમાસા પહેલાં ગટર અને નાળાંની સફાઈનું કામ એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવે છે.
ઍક્ટિવિસ્ટ ગોડફ્રે પિમેન્ટાએ કહ્યું હતું કે ‘દર વર્ષે નાળાંની સફાઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવો એ સમસ્યાનો ઉકેલ નથી. બીએમસીએ આ સમસ્યાના ઉકેલ માટે નિષ્ણાતની નિમણૂક કરવી જોઈએ. નાળાંની ઉપર તારની જાળી મૂકવાથી નાળાંમાં કચરો ફેંકવાની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. આ એક વખતનો ખર્ચ છે. આવા અન્ય પણ ઉકેલ મળી શકે છે, પરંતુ કૉર્પોરેશન સમસ્યાનો કાયમી ઉકેલ નથી લાવવા માગતું.’