ટીવી-સિરિયલમાં ૪૬ વર્ષના પુરુષ અને ૧૯ વર્ષની યુવતીની લવસ્ટોરી દેખાડવા બદલ પોલીસમાં ફરિયાદ કરનારા પર ભડકી ગઈ બૉમ્બે હાઈ કોર્ટ
સિરિયલ ‘તુમ સે તુમ તક’નું દૃશ્ય.
બૉમ્બે હાઈ કોર્ટે ઝી ટીવીની સિરિયલ ‘તુમ સે તુમ તક’ વિરુદ્ધ પોલીસ-ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિને અનોખી સજાની ચેતવણી આપી છે. કોર્ટે જણાવ્યું કે જો ૪૬ વર્ષના હીરો (શરદ કેળકર)ની ૧૯ વર્ષની હિરોઇન (નિહારિકા ચોકસે) સાથેની પ્રેમકથા જોઈને તમારી લાગણીઓ દુભાય છે તો એનો ઇલાજ ઝાડુ-પોતું છે. કોર્ટે સુનીલ શર્માને કમસે કમ એક મહિના સુધી મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં સફાઈકામ કરવાની સજા આપવાનો સંકેત આપ્યો અને સાથે સ્પષ્ટ કર્યું કે આ કામ તેણે જાતે જ કરવું પડશે અને કોઈ બીજાને પોતાની જગ્યાએ મોકલી શકાશે નહીં.
ઝી ટીવીની સિરિયલ ‘તુમ સે તુમ તક’માં ૪૬ વર્ષનો પુરુષ અને ૧૯ વર્ષની યુવતીની પ્રેમકથા દર્શાવવામાં આવી છે ફરિયાદીને વાંધાજનક લાગી અને તેણે એની વિરુદ્ધ પોલીસ-ફરિયાદ દાખલ કરી. આ પોલીસ-ફરિયાદ રદ કરવા ઝી ટીવીએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી. જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને ગૌતમ અનખડની બેન્ચે સુનાવણી દરમ્યાન ફરિયાદીની ઝાટકણી કાઢી અને કહ્યું, ‘આ સિરિયલમાં આપત્તિજનક શું છે? આપત્તિજનક શું કહેવાય એની તમારી વ્યાખ્યા મુજબ અમે ચાલીએ તો ટીવી જ બંધ કરી દેવું પડે... શું અમે ટીવી બંધ કરી દઈએ અને સિરિયલો જોવાનું છોડી દઈએ? ૪૬ વર્ષનો અભિનેતા ૧૯ વર્ષની યુવતીના પ્રેમમાં છે અને આનાથી તમારી લાગણીઓ દુભાઈ? આવા વિચારોને તમે તમારી પાસે જ રાખો. જો તમને કોઈ ફિલ્મ કે શો ન ગમે તો એ ન જુઓ. જો કોઈ શો સાંપ્રદાયિક તનાવ કે હિંસા ફેલાવે તો કાર્યવાહી સમજી શકાય, પરંતુ આવું કઈ રીતે બને?’


