મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લા સહિત ૨૧ જગ્યાએ તો દેશભરમાં આવા ૬૭ કાર્યક્રમો આજે એકસાથે યોજાશે
પ્રતીકાત્મક તસવીર
સનાતન ધર્મમાં ગુરુ અને શિષ્યની પરંપરાને કેન્દ્રસ્થાને રાખીને હિન્દુ જનજાગૃતિ સમિતિ દ્વારા આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લા સહિત રાજ્યમાં ૨૧ જગ્યાએ ગુરુપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભાંડુપમાં સ્ટેશન રોડ પરની IDUBS સ્કૂલના સભાગૃહમાં સાંજે ૬ વાગ્યે, થાણેમાં નૌપાડાના બ્રાહ્મણ વિદ્યાલયમાં સાંજે ૬ વાગ્યે, થાણેના વીર સાવરકરનગરના શ્રી આઇ માતાના મંદિરના સભાગૃહમાં સાંજે ૫.૩૦ વાગ્યે, થાણેના વસંત વિહારની થાણે મહાનગરપાલિકાની સ્કૂલ-નંબર ૧૩૩માં સાંજે ૫.૩૦ વાગ્યે અને પાલઘર જિલ્લાના વસઈના આનંદનગરના વિશ્વકર્મા સભાગૃહમાં સાંજે ૫.૩૦ વાગ્યે ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ જનજાગૃતિ સમિતિના મુંબઈ, થાણે અને પાલઘરના કો-ઑર્ડિનેટર સાગર ચોપદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સનાતન ધર્મની રક્ષા કરવાની સાથે આપણાં બાળકોમાં ગુરુ પ્રત્યેનું સન્માન જળવાય એ માટે સમિતિ દ્વારા દર વર્ષે છૂટક આયોજન કરવામાં આવે છે. જોકે હવે રાષ્ટ્રની રક્ષા, ભ્રષ્ટાચાર સામેની લડત અને સંગઠનને મજબૂત કરવાની જરૂર છે એટલે વિવિધ હિન્દુ સંગઠનોને એકત્રિત કરીને મોટા પ્રમાણમાં ગુરુપૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુઓ વહેંચાયેલા છે. તેમને સાથે લાવવાનો પ્રયાસ પણ હિન્દુ જનજાગૃતિ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લા સહિત ૨૧ જગ્યાએ તો દેશભરમાં આવા ૬૭ કાર્યક્રમો આજે એકસાથે યોજાશે. દરેક કાર્યક્રમમાં ૨૦૦ જેટલા લોકોની વ્યવસ્થાની સાથે દરેક સ્થળે ક્રાન્તિકારી લેખકોનાં ૪૦૦ પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.’

