Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મેટ્રોમાં પહેલા દિવસે ટ્રાવેલ કર્યા પછી કેવું લાગ્યું?

નવી મેટ્રોમાં પહેલા દિવસે ટ્રાવેલ કર્યા પછી કેવું લાગ્યું?

04 April, 2022 11:40 AM IST | Mumbai
Prakash Bambhrolia

લોકોએ મેટ્રોની અમુક ખામીઓ અને સુવિધાઓ વિશે તેમના મત વ્યક્ત કર્યા હતા

શનિવારે મેટ્રોનું ઉદ્‍ઘાટન થયા પછી લોકોએ આરેથી દહાણુકરવાડી વચ્ચે ફન રાઇડની મજા માણી હતી. (તસવીર : સતેજ શિંદે)

શનિવારે મેટ્રોનું ઉદ્‍ઘાટન થયા પછી લોકોએ આરેથી દહાણુકરવાડી વચ્ચે ફન રાઇડની મજા માણી હતી. (તસવીર : સતેજ શિંદે)


ગઈ કાલે રવિવાર હોવાથી અનેક પરિવારો તેમનાં નાનાં બાળકો સાથે આ નવી લાઇનમાં જૉય રાઇડ કરવા નીકળ્યા હતા. એ લોકોએ મેટ્રોની અમુક ખામીઓ અને સુવિધાઓ વિશે તેમના મત વ્યક્ત કર્યા હતા. કોઈએ કહ્યું કે મેટ્રો સ્ટેશનોએ કાર-પાર્કિંગ આપવાની જરૂર હતી તો કોઈએ કોચમાં હૅન્ડલની ત્રણ લાઇનને બદલે એક રાખી હોત તો સારું થાત એમ કહ્યું

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા તૈયાર કરવામાં આવેલા મેટ્રો લાઇનના ૨એ અને ૭ રૂટનું શનિવારે બપોર બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હાથે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. અંધેરીથી દહિસર સુધીના ઈસ્ટ અને વેસ્ટ તરફના મેઇન મેટ્રો લાઇનના પહેલા તબક્કામાં કાંદિવલીની દહાણુકરવાડીથી આરે કૉલોની સુધીના સર્ક્યુલર રૂટ પર મેટ્રો શરૂ થયા બાદનો પહેલો દિવસ ગઈ કાલે રવિવાર હતો. કામકાજનો દિવસ બંધ હોવા છતાં પહેલા દિવસે અનેક લોકો નાનાં બાળકો અને પરિવાર સાથે આ નવી લાઇનમાં જૉય રાઇડ કરવા નીકળ્યા હતા. એ પછી લોકોએ મેટ્રોની અમુક ખામીઓ અને સુવિધાઓ વિશે તેમના મત વ્યક્ત કર્યા હતા.



મલાડમાં રહેતા રાજન દેસાઈ તેમનાં પત્ની અને પુત્ર સાથે જૉય રાઇડ કરવા માટે નીકળ્યા હતા. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મેટ્રો ૨૦ વર્ષ પહેલાં શરૂ થઈ જવી જોઈતી હતી. મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જોઈએ એવું ધ્યાન નથી અપાયું. જોકે દેર આએ દુરુસ્ત આએ. દિલ્હી સહિતનાં દેશનાં બીજાં મેટ્રો સ્ટેશનો પર કાર કે ટૂ-વ્હીલરના પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. આ બાબતે અહીં વિચારવામાં નથી આવ્યું. આજે અસંખ્ય લોકો પાસે કાર છે. મેટ્રો આરામદાયક અને ઝડપી સેવા હોવાથી જેમની પાસે કાર છે તેઓ પણ એમાં પ્રવાસ કરશે. મારા હિસાબે દરેક મેટ્રો સ્ટેશને ૧૦૦ કાર પાર્ક કરવાની વ્યવસ્થા હોય તો રોડ પરનો ટ્રાફિક ઘણો ઓછો થશે અને લોકોનો સમય બચશે.’


‘મિડ-ડે’એ પહેલા દિવસની સવારે દહિસરના આનંદનગરથી દહાણુકરવાડી અને આરે સુધી સર્ક્યુલર રૂટ પર પ્રવાસ કરીને મેટ્રો સ્ટેશનો પર કેવી અને કેટલી સુવિધા છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

૧૬ મિનિટ


દહિસરના આનંદનગરથી કાંદિવલીની દહાણુકરવાડી પહોંચવા માટે રોડમાર્ગે અડધો કલાકથી વધુ સમય લાગે છે, જ્યારે મેટ્રો ટ્રેનમાં માત્ર ૧૬ મિનિટમાં પહોંચી જવાય છે. રસ્તામાં ટ્રાફિક સિગ્નલની સાથે ધ્વનિ અને વાયુપ્રદૂષણની સમસ્યા છે, જ્યારે મેટ્રોમાં ઍરકન્ડિશન્ડ માહોલમાં જરા પણ અવાજ વિના મુસાફરી કરી શકાય છે. ૨૦ રૂપિયામાં આનંદનગરથી દહાણુકરવાડી પહોંચાય છે.

૨ એન્ટ્રી-એક્ઝિટ

ધસારાના સમયે મોટી સંખ્યામાં કાંદિવલીની દહાણુકરવાડીથી આરે કૉલોની સુધીના મેટ્રો ૨એ અને મેટ્રો ૭ના સર્ક્યુલર રૂટમાં પ્રવાસીઓ મુસાફરી કરવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દરેક સ્ટેશનની બન્ને બાજુએ એક-એક એન્ટ્રી-એક્ઝિટ રાખવામાં આવી છે.

લિફ્ટ-એસ્કેલેટર

દરેક મેટ્રો સ્ટેશન પર એક-એક લિફ્ટ, એસ્કેલેટર અને બે પગથિયાં બનાવાયાં છે. એ સિવાય ઇમર્જન્સી માટે એક એસ્કેલેટર રાખવામાં આવ્યું છે. છ કોચની એક મેટ્રો ટ્રેનમાં ૧૭૦૦ જેટલા પ્રવાસી મુસાફરીની ક્ષમતા હોવાથી ધસારાના સમયે એકથી વધુ પગથિયાં રાખવામાં આવ્યાં હોવાથી ગિરદીની સમસ્યા નહીં નડે.

ફૂટ-સ્ટૉલ નથી મુકાયા
વર્સોવા અને ઘાટકોપર વચ્ચે દોડતી મેટ્રોના મોટા ભાગનાં સ્ટેશનો પર ફૂડ-સ્ટૉલ છે, જ્યારે એમએમઆરડીએ દ્વારા તૈયાર કરવામાં આવેલાં મેટ્રો સ્ટેશનો પર અત્યારે એક પણ ફૂડ-સ્ટૉલ નથી.

સર્ક્યુલર રૂટની મુશ્કેલી

મુંબઈમાં સર્ક્યુલર રૂટની પહેલી મેટ્રો રેલ શરૂ થઈ છે એટલે પહેલા દિવસે પ્રવાસીઓને એક્ઝિટ તથા રિટર્ન થવાની મુશ્કેલી પડી હતી. દહિસરના આનંદનગરથી દહાણુકરવાડીની રિટર્ન ટિકિટ લીધી હોય તેણે દહાણુકરવાડીમાં એક્ઝિટ કર્યા બાદ જ તેણે લીધેલી રિટર્ન ટિકિટ વૅલિડ બને એવી સિસ્ટમ બનાવાઈ છે. બીજું, ટિકિટ લીધા બાદ એક કલાકની અંદર પ્રવાસી એક્ઝિટ ન કરે તો તેની ટિકિટ એક્ઝિટ માટે વૅલિડ નહીં ગણાય. ઓવર-સ્ટે એટલે કે પ્રવાસના સમય કરતાં વધુ સમય સુધી મેટ્રો સ્ટેશન પર રહેવા બદલ કલાકદીઠ પ્રવાસીએ ૨૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. આ રકમ ભર્યા બાદ જ તે સ્ટેશન પરથી એક્ઝિટ થઈ શકશે. આવી જ રીતે દહિસરના આનંદનગરથી કાંદિવલી (વેસ્ટ)ની ટિકિટ લીધી હોય તો પ્રવાસી કાંદિવલી (ઈસ્ટ)નો એટલે કે આરે તરફનો પ્રવાસ કરશે તો તેની ટિકિટ પરનો ક્યુઆર કોડ એક્ઝિટ પૉઇન્ટ પર કામ નહીં કરે. પહેલા દિવસે જૉય રાઇડ માટે મેટ્રોનો પ્રવાસ કરનારા લોકોએ આવી સમસ્યાનો સામનો કર્યો પડ્યો હતો. તેમને સ્ટાફે સમજાવ્યા બાદ બધાને ખ્યાલ આવ્યો હતો અને પહેલા દિવસે તેમની પાસેથી કોઈ દંડ લેવામાં નહોતો આવ્યો.

સ્વચ્છ ટૉઇલેટ અને પીવાનું પાણી

દરેક મેટ્રો સ્ટેશન પર સ્ત્રી-પુરુષના મૉડર્ન ટૉઇલેટની સુવિધા છે. સ્ટેશનના વચ્ચેના ભાગમાં આ ટૉઇલેટ બનાવાયાં છે એટલે બન્ને સાઇડથી આવતા-જતા લોકો એનો ઉપયોગ કરી શકશે. સ્ટેશનના પૅસેજમાં પીવાના પાણીનું એક પૉઇન્ટ મૂકવામાં આવ્યું છે, જેમાં એક ગોળ બટન દબાવવાથી પાણી પીવાની સાથે પાણીની બૉટલ ભરી શકાય છે.

કોચમાં સાઇકલ-સ્ટૅન્ડ

મેટ્રો રેલના દરેક કોચમાં એક-એક સાઇકલ-સ્ટૅન્ડ રાખવામાં આવ્યું છે. વહેલી સવારે કે બપોરના સમયે તો ઠીક, પણ ધસારાના સમયે સ્ટૅન્ડ પર સાઇકલ હશે તો એની નજીક રાખવામાં આવેલી સીટ પર બેસવામાં મુશ્કેલી થાય એમ છે. 

બાળકોને મજા પડી

મેટ્રોના પહેલા દિવસે કેટલાક પરિવારો તેમનાં નાનાં બાળકો સાથે મેટ્રોમાં જૉય રાઇડ કરતા જોવા મળ્યા હતા. કાંદિવલીમાં રહેતા જિતુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ‘અમે કાંદિવલીના મહાવીરનગરમાં રહીએ છીએ. રવિવાર હોવાની સાથે મેટ્રોનો પહેલો દિવસ હતો એટલે મારા પૌત્રોને લઈને જૉય રાઇડ કરવા નીકળ્યા છીએ. બન્નેને મજા પડી ગઈ.’ બીજા પણ અનેક પરિવારો તેમનાં બાળકો સાથે મેટ્રોની મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

હૅન્ડલ માથામાં  વાગે છે

મેટ્રોમાં આમ બીજી બધી સુવિધા ઓકે છે, પણ કોચની અંદર હૅન્ડલ ખૂબ નીચે રાખ્યાં છે જે માથામાં વાગશે. એક-બે નહીં પણ ત્રણ લાઇનમાં હૅન્ડલ મૂકવાથી વધુ પરેશાની થશે. ધસારાના સમયે અસંખ્ય લોકો કોચમાં હશે ત્યારે હૅન્ડલ નડશે. કોચની છતમાં હજી ત્રણથી ચાર ઇંચ ઊંચાઈ પર હૅન્ડલ મૂકી શકાયાં હોત. કોચમાં મોબાઇલ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2022 11:40 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK