હોટેલ-બુકિંગમાં તારીખ સુધારવાના બહાને સાઇબર ઠગે કરી ચાલાકી
પ્રતીકાત્મક તસવીર
હોટેલ-બુકિંગમાં ઑનલાઇન તારીખ બદલવા જતાં નાગપાડા વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષના ગુજરાતી વેપારીના બૅન્ક-ખાતામાંથી ૧,૦૯,૮૦૦ રૂપિયા ઊપડી ગયા છે. આ મામલે સોમવારે ગુજરાતી યુવાને નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાતી વેપારી પોતાના પરિવાર સાથે લોનાવલા ફરવા જવાનું આયોજન કરી રહ્યો હતો. એ દરમ્યાન સાઇબર ગઠિયાએ હોટેલ-બુકિંગની તારીખ સુધારવાના બહાને તેને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ગઠિયાએ સ્ક્રીન-શૅરિંગ કરાવવા સાથે એક જોખમી ઍન્ડ્રોઇડ પૅકેજ સિસ્ટમ (APK) ફાઇલ મોકલીને મોબાઇલનો ઍક્સેસ મેળવી લીધો હતો અને તેના બૅન્ક-ખાતામાંથી ૪ મિનિટમાં પૈસા ઉપાડી લીધા હતા.
શું હતો ઘટનાક્રમ?
નાગપાડામાં રહેતા અને જ્વેલરીની દુકાન ધરાવતા ૩૭ વર્ષના વેપારીએ પરિવાર સાથે લોનાવલા ફરવા જવા માટે એક જાણીતી હોટેલમાં ૫૦૫૬ રૂપિયા ચૂકવીને ૨૬થી ૨૭ સપ્ટેમ્બર માટે રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ બુકિંગ કન્ફર્મેશન રિસીટમાં તારીખ ૨૭થી ૨૮ સપ્ટેમ્બર દર્શાવવામાં આવી હતી.
બુકિંગની તારીખ સુધારવા માટે વેપારીએ ગૂગલ પર હોટેલના કસ્ટમર કૅર વિભાગનો નંબર સર્ચ કરીને સંપર્ક કર્યો હતો. ત્યારે સામેથી અજાણ્યા માણસે તારીખ બદલવાનું કહીને વૉટ્સઍપ પર મેસેજ મોકલ્યો હતો.
સાઇબર ગઠિયાએ વેપારીને વિડિયો-કૉલ કરીને મોબાઇલની સ્ક્રીન શૅર કરવા કહ્યું હતું અને એક APK ફાઇલ મોકલીને એમાં નામ, મોબાઇલ-નંબર અને જન્મતારીખ ભરવા જણાવ્યું હતું. વિગતો ભરતાં જ ફરિયાદી વેપારીનો મોબાઇલ ૨૦ મિનિટ માટે બંધ થઈ ગયો હતો.
મોબાઇલ ચાલુ થતાં જ ફરિયાદીની બે બૅન્કનાં ખાતાંમાંથી કુલ ૧,૦૯,૮૦૦ રૂપિયાની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હોવાના મેસેજ મળ્યા હતા. બૅન્ક-સ્ટેટમેન્ટ તપાસતાં સાઇબર ગઠિયાએ માત્ર ૪ મિનિટમાં બન્ને અકાઉન્ટમાંથી પૈસા સેરવી લીધા હોવાની માહિતી સામે આવી હતી.
ફરિયાદીએ તાત્કાલિક 1930 સાઇબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ સોમવારે નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
