Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તૂ મેરી નહીં તો કિસી કી નહીં, આજ તેરા ખેલ હી ખતમ કરતા હૂં

તૂ મેરી નહીં તો કિસી કી નહીં, આજ તેરા ખેલ હી ખતમ કરતા હૂં

Published : 25 January, 2024 08:21 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

નાલાસોપારામાં એકતરફી પ્રેમમાં ગુજરાતી યુવતી પર કરવામાં આવ્યો ચાકુથી હુમલો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાલાસોપારામાં રહેતી ૨૨ વર્ષની યુવતીની મિત્રતા એક યુવાન સાથે સ્કૂલના સમયમાં એટલે કે ૨૦૧૮માં થઈ હતી. ત્યાર બાદ સામેનો યુવાન તે યુવતીને એકતરફી પ્રેમ કરવા લાગ્યો હતો. જોકે યુવતી તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં મંગળવારે સવારે યુવતી ઑફિસ જઈ રહી હતી ત્યારે તૂ મેરી નહીં તો કિસી કી નહીં એમ કહીને તેણે યુવતી પર ચાકુથી હમલો કર્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને આચોલે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

નાલાસોપારા-પૂર્વમાં તુળીંજ પોસ્ટ-ઑફિસ પાસેની એક સોસાયટીમાં રહેતી અને મરીન ડ્રાઇવની એક કંપનીમાં નોકરી કરતી હેમાંગી સુરતીએ કરેલી ફરિયાદ અનુસાર ૨૦૧૮માં તે તુળીંજની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તેની ઓળખ વિકાસ શર્મા સાથે થઈ હતી. ત્યાર બાદ તેઓ મિત્ર બન્યાં હતાં. થોડા સમય બાદ વિકાસનો સ્વભાવ બદલાતાં તે નાનાં-નાનાં કારણોસર હેમાંગી સાથે ઝઘડો કરતો હતો. તેની સાઇડથી પ્રેમપ્રકરણ હોવાનું માલૂમ પડતાં ફરિયાદી તેની સાથે મિત્રતા રાખવાની ના પાડી દીધી હતી. જોકે વિકાસ મેસેજ અને ફોન કરીને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો એટલું જ નહીં, જ્યારે તે કામ પર જતી-આવતી ત્યારે તેને રસ્તામાં રોકીને વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. દરમિયાન તે મંગળવારે સવારે કામ પર જવા રિક્ષા-સ્ટૅન્ડ પાસે આવી ત્યારે વિકાસને ત્યાં જોયો હતો. તેને જોઈને ફરિયાદી તરત જ રિક્ષામાં બેસી ગઈ હતી. વિકાસ ​રિક્ષાની પાછળ દોડ્યો હતો. તે નાલાસોપારા રેલવે સ્ટેશન પાસેની ફૂલમાર્કેટમાં રિક્ષામાંથી ઊતરીને રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે વિકાસ પાછળથી આવ્યો હતો અને તૂ સાઇડ મેં આ, મુઝે બાત કરની હૈ કહેવા લાગ્યો હતો. ફરિયાદી તેની અવગણના કરીને સ્ટેશન તરફ ચાલવા લાગી હતી. ત્યારે વિકાસે ફરિયાદીનો હાથ પકડ્યો હતો અને તૂ મેરી નહીં હો સકતી તો કિસી કી નહીં હોગી, આજ તેરા ખેલ હી ખતમ કરતા હૂં કહીને તેના જમણા હાથમાં પકડેલી ધારદાર છરી ફરિયાદીની છાતી અને પેટ પર મારી હતી. ફરિયાદી જમીન પર પડી જતાં આસપાસના લોકો તેને બચાવીને ઓસવાલનગરીમાં સરસ્વતી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને આચોલે પોલીસે આરોપી વિકાસની ધરપકડ કરીને તેની સામે હાફ મર્ડરના ચાર્જ સાથે ફરિયાદ નોંધી હતી.



હેમાંગી સુરતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં મને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને મારી તબિયત સુધારા પર છે. વિકાસે એકાએક મારા પર છરી વડે હુમલો કર્યો હતો એટલે મને ગંભીર ઈજા થઈ છે.’


આચોલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાળાસાહેબ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને આ કેસમાં આરોપીની ધરપકડ કરી છે. તેને ગઈ કાલે કોર્ટમાં હાજર કરતાં પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2024 08:21 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK