૩૦ વર્ષની શ્વેની ધંધુકિયા માતા-પિતા સાથે રહેતી હતી
બોલવામાં તકલીફ પડતી હોવાથી હતાશ થયેલી ગુજરાતી યુવતીએ આત્મહત્યા કરી હતી
લગ્ન ન થઈ રહ્યાં હોવાથી ડિપ્રેશનમાં આવીને એક યુવતીએ આત્મહત્યા કરી હોવાનો આઘાતજનક બનાવ બન્યો છે. મીરા રોડના પ્લેઝન્ટ પાર્કમાં રહેતી ૩૦ વર્ષની આ યુવતીને બાળપણથી બોલવામાં તકલીફ હોવાથી તેનાં લગ્ન થતાં નહોતાં. અનેક વખત લગ્ન માટે ના મળી હોવાથી તે હતાશ થઈ ગઈ હતી એટલે તેણે બુધવારે પોતાના ઘરમાં રસોડાના પંખા પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કાશીમીરા પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
૩૦ વર્ષની શ્વેની ધંધુકિયા માતા-પિતા સાથે રહેતી હતી. તેને જન્મથી જ બોલવામાં તકલીફ હતી અને અમુક શબ્દો બોલી શકતી નહોતી તથા થોડું તોતડાતી હતી. એને કારણે તેનાં લગ્ન થઈ રહ્યાં નહોતાં. અનેક છોકરાઓ તેને જોવા આવતા હતા, પરંતુ લગ્ન કરવા આગળ આવતા નહોતા. આવું અનેક વખત બનતાં તે હતાશ થઈ જતાં તેણે અંતિમ પગલું ભર્યું હતું. કાશીમીરા પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ તાગડેએ જણાવ્યું હતું કે ‘યુવતીએ હતાશામાં આવીને પોતાના ઘરમાં કિચનના પંખા પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT
શ્વેની મારી એકની એક દીકરી હતી અને એક નાનો દીકરો છે એમ જણાવીને વૈષ્ણવ પ્રજાપતિ સમાજના શ્વેનીના પિતા મહેન્દ્ર ધંધુકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરરોજ રાતના અમે બધા સાથે જમીએ અને સાડાઅગિયાર કે બાર વાગ્યા સુધી ટીવી જોઈને એક જ બેડરૂમમાં સૂઈ જતા હતા. એ દિવસે પણ અમે બધા હસી-મજાક કરીને સૂતા હતા. સવારે સાડાપાંચ વાગ્યે હું કિચનમાં ગયો ત્યારે શ્વેની પંખા પર લટકતી જોવા મળતાં સ્તબ્ધ થઈ ગયો હતો. અમે બધા સૂઈ રહ્યા હતા ત્યારે તેણે આ પગલું ભર્યું હતું.’
નવરાત્રિમાં ભાઈ-બહેનનાં લગ્ન કરવાનો વિચાર હતો
શ્વેનીને બાળપણથી બોલવામાં તકલીફ હતી એમ જણાવીને બિલ્ડિંગ મટીરિયલનો વ્યવસાય કરતા મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ‘અમુક શબ્દો તે બોલી શકે એમ નહોતી એટલે અનેક પ્રકારની થેરપીથી લઈને ટ્રીટમેન્ટ કરાવી હતી. ત્યાર બાદ તેનામાં ઘણો ફરક જોવા મળ્યો હતો. શ્વેની દેખાવમાં સુંદર હોવાની સાથે તેને જમવાનું પણ સરસ બનાવતાં આવડતું હતું. તે અગિયારમા ધોરણ સુધી ભણેલી અને પછી સમસ્યાને કારણે આગળ ભણી નહોતી. બન્ને ભાઈ-બહેનનાં લગ્ન માટે અમે પાત્રો જોતા હતા. એમાં શ્વેનીને અમુક પાત્રો પસંદ પડતાં નહોતાં તો અમુક શ્વેનીને તેની તકલીફના હિસાબે પસંદ કરતાં નહોતાં. બન્ને ભાઈ-બહેનનાં લગ્ન અમે એકસાથે નવરાત્રિમાં કરવાની તૈયારી કરી રહ્યા હતા.’


