૧૭ જૂને પાર્કસાઇટ પોલીસને ઈ-મેઇલ પણ કરી હતી. આ કેસમાં પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ રવિવારે અજાણ્યા આરોપીઓ સામે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અનુસાર કેસ નોંધ્યો હતો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પરના એક હાઇરાઇઝ કૉમ્પ્લેક્સમાં રહેતા ૪૭ વર્ષના ગુજરાતી ડૉક્ટર પાસેથી તેમની જૂની મિત્ર રોશની મસાદ હોવાનું કહીને તરીકે ઓળખાવીને નાણાકીય કટોકટીના બહાને ૩,૨૦,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ હતી. ગુજરાતી ડૉક્ટરને વૉટ્સઍપ પર મેસેજ કરી તેમની જૂની મિત્ર તરીકે ઓળખ આપીને છેતરપિંડી કરવા માટે USAના નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ડૉક્ટરે મદદ કરવાના હેતુથી ચાર ટ્રાન્ઝૅક્શનમાં પૈસા મોકલ્યા હતા. દરમ્યાન વધારે પૈસાની માગણી કરવામાં આવી એટલે ફરિયાદી ડૉક્ટરને શંકા આવતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.
પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ઘટનાક્રમ જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘LBS રોડ પર રહેતા ડૉક્ટરને ૩ જૂને સવારે સાડાદસ વાગ્યે વૉટ્સઍપ પર એક મેસેજ મળ્યો હતો. એમાં મેસેજ કરનાર વ્યક્તિએ તેમની જૂની મિત્ર રોશની મસાદ હોવાનો દાવો કર્યો હતો. એના પરથી ડૉક્ટરે તેની સાથે વધુ વાતો કરી હતી. એ દરમ્યાન રોશનીએ કહ્યું હતું કે તે ભારત આવી છે અને નાણાકીય સમસ્યાને કારણે હાલમાં એક જગ્યાએ ફસાઈ ગઈ છે એટલે તાત્કાલિક પૈસાની જરૂર છે. ઓળખ પર વિશ્વાસ કરીને ડૉક્ટરે છેતરપિંડી કરનારી યુવતી દ્વારા આપવામાં આવેલા બૅન્ક-ખાતામાં ૪ ટ્રાન્ઝૅક્શનમાં ૩,૨૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. દરમ્યાન છેતરપિંડી કરનારે પાછળથી વધારાના ૧,૮૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી એટલે શંકા જવાથી ડૉક્ટરે વૉટ્સઍપ નંબર પર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અવાજ સ્પષ્ટ નહોતો. વધુ તપાસ કરતાં તેમને ખબર પડી કે એ નંબર તેમની વાસ્તવિક મિત્રનો નથી. એટલે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે તરત જ ૩ જૂને રાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ૧૭ જૂને પાર્કસાઇટ પોલીસને ઈ-મેઇલ પણ કરી હતી. આ કેસમાં પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ રવિવારે અજાણ્યા આરોપીઓ સામે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અનુસાર કેસ નોંધ્યો હતો. ડૉક્ટરે જે અકાઉન્ટમાં પૈસા મોકલ્યા હતા એની પણ તપાસ કરવામાં આવી રહી છે.’

