શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજને કરી ક્રાન્તિકારી પહેલ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
એક સામાન્ય વ્યક્તિ લગ્નનું આયોજન કરે છે ત્યારે ફક્ત ગોર મહારાજ જ પાંચ હજારથી પંદર હજાર રૂપિયા લઈ લેતા હોય છે. એવા સમયમાં કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજની એક સંસ્થાએ લગ્નના આયોજન માટે ક્રાન્તિકારી પહેલ કરી છે. સમાજના નાનામાં નાના માણસને પરવડી શકે એ માટે શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન ઠાઠમાઠ સાથેનાં લગ્નનું આયોજન ફક્ત ૧૧,૦૦૦ રૂપિયામાં કરી આપશે. સદભાવના લગ્ન તરીકે થનારાં આ લગ્નમાં ૧૦૦ માણસો હાજરી આપી શકશે.
આ આયોજનમાં એ.સી. હૉલનું ભાડું, ડેકોરેશન, કેટરર્સનું જમણ, વરમાળા, વિધિવિધાન સાથે ગોર મહારાજ, લૅપટૉપ પર મંગળ ગીતો, મહાજન દ્વારા ઘડી, ચોથા ફેરે ઘરચોળું લઈ જવા છાબ, છતેડી, વરરાજા માટે પછેડી અને હથુડો બાંધવા રેશમી રૂમાલની વ્યવસ્થા કરી આપવામાં આવશે. એટલું જ નહીં, સ્વાગત વખતે ચોરીમાં ફ્રેશ જૂસ, બાઇટિંગ અને ચા-કૉફી તેમ જ જમણવારમાં બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, પુરી અને રોટલી, દાળ, ભાત, સૅલડ, છાસ, આઇસક્રીમ અને મુખવાસ પણ આપવામાં આવશે.
ADVERTISEMENT
આ સદભાવના લગ્નનું આયોજન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે માહિતી આપતાં શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજનના વાઇસ પ્રેસિડન્ટ મનીષ ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન હંમેશાં સમાજના નાનામાં નાના માણસના ઉત્કર્ષ માટે વિચાર કરતું આવ્યું છે. અમારા મહાજન દ્વારા સમાજમાં સ્વમાન તેમ જ સ્વાભિમાન લગ્નનું આયોજન થઈ રહ્યું છે જેમાં અમે ફક્ત ૮૧,૦૦૦ રૂપિયામાં ૧૦૦ માણસો સાથેનાં લગ્નનું આયોજન કરી રહ્યા છીએ. આ આયોજન દરમ્યાન અમે નિરીક્ષણ કર્યું કે આ કિંમતે પણ સમાજનો એક વર્ગ આર્થિક હાલતને કારણે આ આયોજનમાં ભાગ નથી લઈ રહ્યો. આથી સમાજના ઉત્કર્ષ માટે અમારી કમિટીએ ફક્ત ૧૧,૦૦૦ રૂપિયામાં લગ્નનું આયોજન કરવાનું નક્કી કર્યું. ચિંચપોકલીની અમારી સમાજની જ વાડીમાં સવારના આઠથી બે વાગ્યા દરમ્યાન આ લગ્નનું આયોજન કરવામાં આવશે. આ સાથે અમે મહાજન તરફથી દંપતીને સિલ્વર કૉઇન પણ આપીશું. લગ્નના ખર્ચને પહોંચી વળવા અમે સદભાવના કન્યાદાન નામની એક યોજના રાખી છે જેમાં ૬૫,૦૦૦ રૂપિયા આપીને કન્યાદાનનો લાભ દાતા પરિવાર લઈ શકશે. એક સોશ્યલ રિફૉર્મ તરીકે બંને પક્ષે લગ્નનો ખર્ચ સરખા ભાગે કરવાનો રહેશે.’
શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજનનાં ટ્રસ્ટી તરલા છેડાએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘આજે દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે મારા પુત્ર કે પુત્રીનાં લગ્ન પણ ૫૦-૧૦૦ માણસોની હાજરીમાં ધામધૂમથી થાય, પણ દરેકની આર્થિક પરિસ્થિતિ આવાં લગ્ન કરી શકે એવી હોતી નથી. ક્યારેક વ્યાજે પૈસા લઈને પણ લગ્ન કરાવવા ફૅમિલી મજબૂર થાય છે અને પછી એ જ દેવામાં માણસ ડૂબતો જાય છે. સદભાવના લગ્ન આવી ફૅમિલીઓ માટે આશાનું કિરણ બનશે. જો દરેક સમાજમાં લોકો આ બાબતે કંઈક વિચારે તો નાનામાં નાના માણસની ઇચ્છા પણ પૂરી થઈ શકશે અને તેના પર લગ્નના ખર્ચનો બોજો પણ નહીં પડે.’

