Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોપાલ શેટ્ટીનો મુંડનપ્રહાર

ગોપાલ શેટ્ટીનો મુંડનપ્રહાર

Published : 09 November, 2026 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCના અધિકારીઓની બેજવાબદારીએ બોરીવલીમાં લોકોને રસ્તે લાવી નાખ્યા એવો આક્ષેપ કરીને વિરોધમાં માથું મૂંડાવી નાખ્યું

ગોપાલ શેટ્ટી

ગોપાલ શેટ્ટી


બોરીવલી (ઈસ્ટ)ના સ્વામી વિવેકાનંદ રોડનાં ૨૭ ઘરો તોડી પાડવામાં આવ્યાં એ વિરુદ્ધ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન(BMC) સામે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ બાંયો ચડાવી છે. રહેવાસીઓને ઘરમાંથી સામાન પણ ખાલી કરીને અન્યત્ર ખસેડવાનો સમય ન આપીને BMCએ લોકશાહીની મશ્કરી કરી હોવાની ટીકા ગોપાલ શેટ્ટીએ કરી હતી. પોતાનો વિરોધ વ્યક્ત કરવાની સાથે જ તેમણે અધિકારીઓની બેદરકારી લોકોની સામે ઉજાગર કરવા માટે પોતાનું માથું પણ મૂંડાવી નાખ્યું હતું.

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) સ્ટેશન બનાવવા માટેની ૩૪૦૦ સ્ક્વેર મીટરની જમીન પર બાંધવામાં આવેલાં મકાનોનું અતિક્રમણ સમયસર દૂર ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે BMC કમિશનરનો નવેમ્બરનો પગાર રોકવાનો આદેશ આપ્યો હતો, જેને પગલે તાબડતોબ ૪ નવેમ્બરે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી વિરુદ્ધ બોલતાં ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે છેલ્લાં પચાસ વર્ષથી એક પ્રાઇવેટ લૅન્ડ પર બનાવવામાં આવેલાં ઘરોના રહેવાસીઓને આ રીતે બેઘર કરવાની BMCની કાર્યવાહી લોકશાહીની વિરુદ્ધ છે. આ ઉપરાંત તેમણે સ્થાનિક BJP યુનિટને પણ આ ૨૭ ઘરોમાં રહેતાં કુટુંબોના સમર્થનમાં ન આવવા બદલ ટપાર્યા હતા.



ગોપાલ શેટ્ટીએ ‘મિડ-ડે’ સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે ‘BMC અધિકારીઓએ ખોટા પુરાવા સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમની પાસે મરાઠીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરનારા ન હોવાના કારણે ખોટી રજૂઆત થઈ હતી. આખો મામલો હજી નીચલી અદાલતમાં ચાલી રહ્યો હોવા છતાં કાર્યવાહી કરીને લોકોને ઘરવિહોણા કરીને તેમની સાથે અન્યાય થયો છે અને એની વિરુદ્ધ મેં અવાજ ઉઠાવ્યો છે. મારા પક્ષ સાથે મારે કોઈ પણ વાંધો નથી, મારો વાંધો ફક્ત જવાબદાર BMC અધિકારીઓ વિરુદ્ધ છે અને આ કાર્યવાહીના કારણે જે લોકોને ભોગવવું પડ્યું છે તેમને ન્યાય અપાવવા માટે હું પ્રયત્ન કરતો રહીશ.’ 


પોતાનું વચન પાળીને તેમણે વાળ કપાવી નાખી શબ્દ પાળ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. 

અજમલ કસબ જેવા આતંકવાદીને પણ આઠ વર્ષ સુધી મહેતલ તો જનતાને કેમ નહીં?
ગોપાલ શેટ્ટીએ પોતાની જ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલીને લોકોના હિતમાં બોલતાં કહ્યું હતું કે ‘મેં ક્યારેય મારી પબ્લિક લાઇફમાં આવી કડક કાર્યવાહી સામાન્ય જનતા વિરુદ્ધ નથી જોઈ. ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના ગુનેગાર અજમલ કસબ જેવા આતંકવાદીને પણ આઠ વર્ષ સુધી કોર્ટ કાર્યવાહીનો સામનો કરીને રાષ્ટ્રપતિ સુધી જઈને તેમની પાસે દયાની અરજી કરવાનો મોકો આપવામાં આવ્યો હતો ત્યારે રાત્રે દોઢ વાગ્યે નોટિસ આપીને સવારે સાત વાગ્યે લોકોને બેઘર કરવામાં આવ્યા એ લોકશાહીનું દમન છે. તેમને તેમના ઘરનો સામાન ખસેડવાનો પણ સમય ન આપવામાં આવ્યો હોવાનું ગોપાલ શેટ્ટીએ જણાવ્યું હતું. 

પ્રૉપર્ટી અસેસમેન્ટ બિલ હોવા છતાં કાર્યવાહી કેમ?
ગોપાલ શેટ્ટીએ જણાવ્યું હતું કે ‘૨૭ ઘરના રહેવાસીઓ છેલ્લાં 50 વર્ષથી અહીં રહેતા હતા અને તેમને નોટિસનો જવાબ આપવાનો સમય પણ આપવામાં નહોતો આવ્યો. તેમની પાસે પ્રૉપર્ટી અસેસમેન્ટ બિલ હોવા છતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી બદલ કોર્ટમાં ખોટી દલીલ કરીને ખોટા પુરાવા રજૂ કરનારા સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK