ગો ફર્સ્ટ ઍરલાઇન્સે નાદારી નોંધાવતાં એમાં ટિકિટ બુક કરાવનારા પૅસેન્જરો ચિંતામાંઃ બીજી ફ્લાઇટની ટિકિટ ડબલથી વધારે ભાડામાં મળતી હોવાની ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ નાણાકીય તંગીનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટ ઍરલાઇન્સે પહેલાં અમુક દિવસ એની ફ્લાઇટ્સ રદ કરી અને એ પછી મંગળવારે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં સ્વૈચ્છિક નાદારી નોંધવાની અરજી કરીને એના અનેક ગ્રાહકોને અસમંજસભરી પરિસ્થિતિમાં અને નાણાકીય મુસીબતમાં મૂકી દીધા છે. આ ઍરવેઝ તરફથી હજી સુધી ભવિષ્યનું પિક્ચર સ્પષ્ટ ન હોવાથી ટૂરિસ્ટ્સની હાલત કફોડી બની છે. જોકે આ કારણથી મુંબઈની બે રાજસ્થાની બહેનો માટે દીક્ષા-પ્રસંગમાં ચેન્નઈ જવાનું અતિ મહત્ત્વનું હોવા છતાં તેઓ આ પ્રસંગમાં પહોંચી શકશે કે નહીં એ તેમને માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન બની ગયો છે.

ADVERTISEMENT
દાદરની ફૅશન-ડિઝાઇનર વૈશાલી જૈન.
આ સંદર્ભે માહિતી આપતાં દાદરની રાજસ્થાની જૈન ફૅશન-ડિઝાઇનર ૪૩ વર્ષની વૈશાલી જૈને ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારા પરિવારના એક સદસ્ય ૭૦ વર્ષના મુમુક્ષુ પોપટલાલ બાબુલાલ પરમારનો ૧૭ મેએ ચેન્નઈ પાસે આવેલા ગામમાં દીક્ષા-પ્રસંગ છે. એ પહેલાં ૧૪ મેએ તેમનો વરસીદાનનો વરઘોડો છે. હું અને મારી જુહુ રહેતી બહેન ૪૬ વર્ષની આશા સોની બન્ને અમારાં મુંબઈનાં કામ મૅનેજ કરીને ૧૪ મેએ ગો ફર્સ્ટ ઍરલાઇન્સમાં સવારે ૮.૩૦ વાગ્યે ચેન્નઈ જવાનાં હતાં. જોકે ગો ઍરવેઝે અમારા કાર્યક્રમની વાટ લગાડીને અમને અત્યારે અસમંજસભરી પરિસ્થિતિમાં મૂકી દીધાં છે.’
આ બાબતની સ્પષ્ટતા કરતાં વૈશાલી જૈને કહ્યું કે ‘જેવી અમને ખબર પડી કે આજે પાંચ મે સુધીની ફ્લાઇટ્સ ગો ફર્સ્ટની રદ જાહેર કરવામાં આવી છે એટલે અમે તરત ગો ફર્સ્ટના કસ્ટમર કૅરને ૧૪ મેએ તેમની ફ્લાઇટ જશે કે નહીં એ માટે ઈ-મેઇલ કરીને માહિતી માગી હતી, પણ આજ સુધી તેઓ અમને અમારી ઈ-મેઇલનો જવાબ આપી શક્યા નથી. અમે કેવી રીતે નક્કી કરીએ કે અમારે આ ઍરલાઇન્સની ટિકિટ કૅન્સલ કરવી કે નહીં? અમને તેઓ રીફન્ડ માટે પણ કોઈ ક્લિયર જવાબ આપતા નથી.’
હવે આવા સંજોગોમાં અમે આજે બીજી ઍરલાઇન્સમાં ટિકિટ બુક કરાવીએ છીએ તો એને માટે ચેન્નઈના ભાવ ડબલ બતાવે છે એવું કહેતાં વૈશાલી જૈને કહ્યું કે ‘બીજી ઍરલાઇન્સના ભાવ વધારે છે, પણ એની એક પણ ફ્લાઇટ અમે પ્રસંગમાં હાજરી આપી શકીએ એવા સમયે પહોંચાડે એમ નથી. અમે થોભો અને રાહ જુઓ કરવા જઈએ તો અમને કદાચ અત્યારથી વધુ મોંઘી ટિકિટ ખરીદવી પડે એવી પરિસ્થિતિ નિર્માણ થાય એમ છે. છેલ્લી મોમેન્ટે તો અમને ટ્રેનની ટિકિટ પણ મળતી નથી. અમારા વડીલની દીક્ષામાં આખો પરિવાર હાજરી આપશે ત્યારે અમે બન્ને બહેનો એ પ્રસંગમાં હાજરી આપી શકીશું કે નહીં એ પ્રશ્ન અમને સતાવી રહ્યો છે.’
દીક્ષા પૂરી થયા પછી મારે અન્ય ઍરલાઇન્સની ફ્લાઇટમાં ચેન્નઈથી હરિદ્વાર પહોંચવાનું છે. ત્યાંથી મારે તરત ટ્રેકિંગમાં જવાનું છે એવું કહેતાં વૈશાલી જૈને કહ્યું કે ‘અમે ચેન્નઈના કાર્યક્રમમાં ન પહોંચીએ તો મારે તો આગળનો કાર્યક્રમ પણ બગડી જશે. ગો ઍરવેઝે અત્યારે તો મને એકદમ કફોડી હાલતમાં મૂકી દીધી છે. ઍરવેઝ નાણાકીય મુસીબતનો સામનો કરી રહી છે, પણ એણે અમારો નાણાકીય બોજ વધારી દીધો છે.’


