ઘાટકોપરની એક કૅફેએ કરી ઑફર : જોકે આ ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટે તમારું બિલ ૨,૦૦૦ રૂપિયાથી વધુનું હોવું જોઈશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે ૨,૦૦૦ રૂપિયાની નોટને બંધ કરવાની જાહેરાત કરતાં જે લોકો પાસે ૨,૦૦૦ નોટો તિજોરીમાં અકબંધ પડી હતી તેમનામાં ખળભળાટ મચી ગયો છે. તેઓ આ નોટોને હવે સરકારના કાયદા પ્રમાણે કેવી રીતે વટાવવી એની મૂંઝવણમાં આવી ગયા છે. અમુક જગ્યાએ ૨,૦૦૦ રૂપિયાની નોટથી ખરીદી કરવા જતાં લોકોએ પ્રીમિયમ ચૂકવવું પડે છે. જોકે ઘાટકોપર-ઈસ્ટના મહાત્મા ગાંધી રોડ પર આવેલી એક કૅફે-રેસ્ટોરાંએ માર્કેટ સ્ટ્રૅટેજી અંતર્ગત લોકોને ઑફર કરી છે કે તમારી પાસે ૨,૦૦૦ રૂપિયાની નોટ હોય તો એને વટાવવા અમારી રેસ્ટોરાંમાં નાસ્તો કરવા આવો અને ૨,૦૦૦ રૂપિયાની ઉપરના બિલ પર ૨,૦૦૦ની નોટથી પેમેન્ટ કરીને ૧૫ ટકા ડિસ્કાઉન્ટ મેળવો. આ રેસ્ટોરાં એની માર્કેટ સ્ટ્રૅટેજીમાં કેટલી સફળ રહેશે એ તો આવનારો સમય જ કહી શકશે.
અમે ગુરુવારે સોશ્યલ મીડિયાના માધ્યમથી અમારી ઑફર લોકો સુધી મોકલી છે અને અમને વિશ્વાસ છે કે આજે અમારી રેસ્ટોરાંમાં ઓછામાં ઓછી પચાસ ૨,૦૦૦ રૂપિયાની નોટો જમા થઈ જશે એમ જણાવીને ધ ચૉકલેટ રૂમના માલિક નૈનેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરબીઆઇની ગયા શુક્રવારની જાહેરાત પછી અનેક લોકો તેમની પાસે રહેલી ૨,૦૦૦ રૂપિયાની નોટ કેવી રીતે વટાવવી એની મૂંઝવણ અનુભવી રહ્યા છે. અમુક જગ્યાએ અત્યારે લોકો ૨,૦૦૦ રૂપિયાની નોટ લઈને ખરીદી કરવા જાય તો તેમણે ૨,૦૦૦ રૂપિયાથી પેમેન્ટ ચૂકવવા માટે પ્રીમિયમની ચુકવણી કરવી પડે છે. અમે તો અમારી રેસ્ટોરાંમાં ૨,૦૦૦ રૂપિયાથી વધુ બિલ બનાવીને અમને ૨,૦૦૦ રૂપિયાની નોટથી પેમેન્ટ ચૂકવનાર ગ્રાહકને ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપીશું. એટલું જ નહીં, તેમનું માનસિક ટેન્શન પણ ઓછું કરી આપીશું. આ ૧૫ ટકા ડિસ્કાઉન્ટનો ફાયદો જે ગ્રાહકો ૨,૦૦૦ રૂપિયાની નોટથી અમારી રેસ્ટોરાંમાં બિલ ચૂકવશે તેમને જ મળશે.’
તમે તમારી પાસે જમા થયેલી આ ૨,૦૦૦ રૂપિયાની નોટો કેવી રીતે વટાવશો? આ સવાલના જવાબમાં નૈનેશ શાહે કહ્યું હતું કે અમે અમારી પાસે જમા થયેલી ૨,૦૦૦ રૂપિયાની નોટોથી અમારા વેન્ડરોને પેમેન્ટ કરીશું અને જે નોટો વધશે એને રિઝર્વ બૅન્કની માર્ગદર્શિકા પ્રમાણે બૅન્કમાં જમા કરીશું.