ચીફ જસ્ટિસ સતીશ ચન્દ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે જણાવ્યું હતું કે આ લૉયર દ્વારા કરવામાં આવેલી જનહિતની અરજી પર અદાલત યોગ્ય આદેશ પસાર કરશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ૨,૦૦૦ રૂપિયાની નોટ્સને પાછી ખેંચી લેવામાં આવી રહી છે એ નોટબંધી નથી, પરંતુ એ એક વૈધાનિક પ્રક્રિયા છે. અદાલત લૉયર અશ્વિની કુમાર ઉપાધ્યાયની એક અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં જણાવાયું હતું કે ૨,૦૦૦ રૂપિયાની નોટને કોઈ જાતના પુરાવા વિના એક્સચેન્જ કરવાનો આરબીઆઇ અને એસબીઆઇનો નોટિફિકેશન મનસ્વી હતો અને એ ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા માટેના કાયદાથી વિરુદ્ધ છે. ચીફ જસ્ટિસ સતીશ ચન્દ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે જણાવ્યું હતું કે આ લૉયર દ્વારા કરવામાં આવેલી જનહિતની અરજી પર અદાલત યોગ્ય આદેશ પસાર કરશે. ઉપાધ્યાયે ખુલાસો કર્યો હતો કે તેઓ ૨,૦૦૦ રૂપિયાની નોટને પાછી ખેંચી લેવાના નિર્ણયને પડકારતા નથી, પરંતુ તેઓ કોઈ જાતની સ્લિપ કે આઇડેન્ટિટી પ્રૂફ વિના કરન્સીના એક્સચેન્જની વિરુદ્ધ છે.