ઊંધી દિશામાં કૂદકો મારવાથી માથામાં ગંભીર ઈજા થઈ
દાદર રેલવે-પોલીસે જુનૈદ સૈયદની ધરપકડ કરી હતી
ઘાટકોપર-વેસ્ટમાં નવરોજી લેનમાં રહેતો ૩૩ વર્ષનો નીલય શાહ મંગળવારે બપોરે લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરીને મસ્જિદ બંદર જઈ રહ્યો હતો ત્યારે કરી રોડ રેલવે-સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં તેનો મોબાઇલ ચોરીને ભાગતા ચોરને પકડવા તેણે પણ ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો. જોકે નીલયે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં કૂદકો માર્યો હોવાથી તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. દાદર રેલવે-પોલીસે ફરિયાદ નોંધીને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે ચોરની ધરપકડ કરી છે. હાલમાં નીલય બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મસ્જિદ બંદરમાં આયુર્વેદિક દવાના કાચા માલનો વ્યવસાય કરતો નીલય શાહ મંગળવારે બપોરે ઘાટકોપરથી ઑફિસ જવા નીકળ્યો હતો એમ જણાવતાં દાદર રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાડાચાર વાગ્યે કરી રોડ રેલવે-સ્ટેશનથી શરૂ થઈને ટ્રેને થોડી સ્પીડ પકડી ત્યારે ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરી રહેલા નીલયનો મોબાઇલ અજાણ્યા ચોરે ખેંચ્યો હતો અને ઝડપભેર લોકલ ટ્રેનમાંથી પ્લૅટફૉર્મ પર કૂદ્યો હતો. એ ચોરને પકડવા માટે નીલયે પણ ચાલુ ટ્રેનમાંથી પ્લૅટફૉર્મ પર કૂદકો માર્યો હતો. જોકે નીલયે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને પ્લૅટફૉર્મ પર પટકાયો હતો જેને લીધે તેના માથામાં જોરદાર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં તેનો ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ઇલાજ ચાલુ છે.’
ADVERTISEMENT
નીલય હોશમાં ન હોવાથી તેના પિતા ચેતન શાહે આપેલી ફરિયાદ અનુસાર બુધવારે ઘટનાની નોંધ કરવામાં આવી હતી એમ જણાવતાં અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદ નોંધ્યા પછી અમે CCTV ફુટેજના આધારે મુંબ્રામાં રહેતા ૨૭ વર્ષના જુનૈદ નૂરઅલી સૈયદ ઉર્ફે પાપાની ધરપકડ કરી છે. તેની સામે આ પહેલાં પણ કેસ નોંધાયા હોવાની માહિતી અમને મળી છે.’

