ઘાટકોપરના સેવાભાવી કિરણ મહેતાના પરિવારે તેમનું દેહદાન કરીને તેમણે ૩ વર્ષ પહેલાં લીધેલા સંકલ્પને પૂરો કર્યો
કિરણ મહેતા
જીવનભર નિઃસ્વાર્થ સેવા અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવનારા ઘાટકોપર-ઈસ્ટના પંતનગરના ૭૬ વર્ષના કિરણ મહેતાએ મૃત્યુ પછી પણ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગઈ કાલે તેમના અવસાન બાદ તેમની ૩ વર્ષ પહેલાંની અંતિમ ઇચ્છાને માન આપીને પરિવારે તેમનો સંપૂર્ણ દેહ તબીબી અભ્યાસ અને સંશોધન માટે મુંબઈની નાયર હૉસ્પિટલને અર્પણ કર્યો હતો એટલું જ નહીં, તેમના શરીરમાંથી કાઢવામાં આવેલું પેસમેકર પણ અન્ય જરૂરિયાતમંદ દરદીને ઉપયોગી થઈ શકે એ માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેતા પરિવાર કહે છે કે અમારા વડીલ આજે અમારી વચ્ચે નથી, પરંતુ તેમના દેહદાનથી ભાવિ ડૉક્ટરોને મળનાર જ્ઞાન અને અન્ય દરદીઓ માટે ઉપયોગી થનારા તેમના અંગદાનરૂપ યોગદાન દ્વારા તેમની સેવાભાવનાની સ્મૃતિ જીવંત રહેશે.
સેવા અને ધર્મને જીવનમાં ઉતાર્યાં
ADVERTISEMENT
કિરણભાઈએ દેના બૅન્કમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. નોકરી દરમ્યાન અને નિવૃત્તિ પછી પણ તેઓ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય શ્રી પદ્મરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં તેમણે અનેક સેવાકાર્યો નિઃસ્વાર્થભાવે કર્યાં હતાં. નામ કે પ્રશંસાની અપેક્ષા રાખ્યા વિના સેવા કરવી એ તેમના જીવનનો અભિન્ન ભાગ હતો.
આ બાબતની માહિતી આપતાં કિરણ મહેતાના જમાઈ તેજસ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કિરણ મહેતા નિયમિત રીતે દેરાસરમાં પૂજા કરતા અને જૈન ધર્મની ક્રિયાઓનું પાલન કરતા હતા. ડુંગળી-લસણનો ત્યાગ પણ તેમના જીવનનો હિસ્સો હતો. તેમના માટે ધર્મ માત્ર ધાર્મિક ક્રિયાઓ પૂરતો સીમિત નહોતો; જીવનમાં જીવદયા, સંયમ અને સેવાભાવ ઉતારવાની પ્રેરણા હતો.’
૩ વર્ષ પહેલાં દેહદાનનો સંકલ્પ
દેહદાન વિશે સમાજમાં પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ વચ્ચે કિરણભાઈનો નિર્ણય પ્રેરણારૂપ છે એમ જણાવતાં તેજસ શાહે કહ્યું હતું કે ‘આશરે ૩ વર્ષ પહેલાં કિરણભાઈ દેહદાન વિશેની જાગૃતિ શિબિરમાં ગયા હતા. ત્યાં તેમને સમજાયું કે દેહદાનથી તબીબી વિદ્યાર્થીઓ માનવશરીરની રચનાનો અભ્યાસ કરી શકે છે અને ભવિષ્યમાં કુશળ ડૉક્ટર બનીને અસંખ્ય દરદીઓની સારવારમાં યોગદાન આપી શકે છે. આ સમજણથી પ્રેરાઈને તેમણે એ જ સમયે દેહદાનનો સંકલ્પ લીધો હતો. જૈનદર્શનમાં આત્માને શાશ્વત અને દેહને નશ્વર માનવામાં આવે છે. જીવદયા અને અપરિગ્રહના સિદ્ધાંતોને અનુરૂપ મૃત્યુ પછી પણ પોતાનો દેહ માનવકલ્યાણ માટે ઉપયોગી બને એવો તેમનો વિચાર સેવાભાવની ઊંડી સમજ દર્શાવે છે.’
પીડા વચ્ચે જાળવી સમતા
ગયા વર્ષે કિરણભાઈને પેસમેકર બેસાડવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં તેજસ શાહે કહ્યું હતું કે ‘પપ્પા છેલ્લાં ૩૫ દિવસથી ફોર્ટિસ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પણ તેમને શારીરિક પીડા થતી હતી, પરંતુ તેમના ચહેરા પર શાંતિ અને સ્વભાવમાં સ્થિરતા જળવાઈ રહી હતી. કોઈ તેમની તબિયત વિશે પૂછે ત્યારે તેઓ હસીને કહેતા કે I am good. પીડા વચ્ચે પણ હકારાત્મકતા અને સમતા જાળવી રાખવાનો તેમનો સ્વભાવ તેમની આંતરિક સ્થિરતાનો પરિચય કરાવતો હતો.’
એક દેહથી અનેકને લાભ
કિરણભાઈના અવસાન બાદ પરિવારે તેમની અંતિમ ઇચ્છા મુજબ ગઈ કાલે તેમના પાર્થિવ દેહને નાયર હૉસ્પિટલને અર્પણ કર્યો હતો. આ જાણકારી આપતાં તેજસ શાહે કહ્યું હતું કે ‘તેમના પરિવારની વિનંતીથી તેમનું પેસમેકર પણ કાઢવામાં આવ્યું હતું, જેનો પુનઃ ઉપયોગ જરૂરિયાતમંદ દરદી માટે થઈ શકે છે. આમ તેમનો દેહ ભાવિ તબીબોના અભ્યાસમાં ઉપયોગી બનશે અને પેસમેકર અન્ય દરદીના જીવનમાં નવી આશા જગાવી શકે છે.’
દેહદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી કરવામાં સાયનના સન્ડે ફ્રેન્ડ્સ ગ્રુપના રાજેશ ગાંધી અને યોગેશ દોશીએ મહત્ત્વનો સહયોગ આપ્યો હતો. શોકના સમયે પરિવાર માટે હૉસ્પિટલ સાથે સંકલન અને જરૂરી કાગળકામ કરવું મુશ્કેલ બની શકે છે. આ બન્ને સેવાભાવી મિત્રોએ નાયર હૉસ્પિટલ સાથેનું સંકલન સંભાળ્યું હતું, જેના માટે મહેતા પરિવારે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
હદાન માટે સંકલ્પ કેવી રીતે કરવો?
દેહદાન કરવાની ઇચ્છા ધરાવતી વ્યક્તિ નજીકની મેડિકલ કૉલેજના શરીરરચના વિભાગમાં સંકલ્પપત્ર ભરી શકે છે. આ સાથે પોતાની ઇચ્છા પરિવારજનોને અગાઉથી જણાવવી પણ એટલી જ જરૂરી છે, જેથી અંતિમ સમયે પરિવાર આ નિર્ણયને સાકાર કરવામાં સહયોગ આપી શકે. પૌરાણિક કથાઓમાં લોકકલ્યાણ માટે પોતાનાં અસ્થિનું દાન કરનાર દધીચિ ઋષિનું ઉદાહરણ આપવામાં આવે છે. આજના સમયમાં દેહદાન દ્વારા સામાન્ય વ્યક્તિ પણ માનવકલ્યાણના આ સેવાયજ્ઞમાં યોગદાન આપી શકે છે.
