જાહેર સ્થળો પર ફટાકડા ફોડવા પર બૉમ્બે હાઈ કોર્ટે મૂક્યો પ્રતિબંધ, દરેક તહેવાર માટે આદેશ લાગુ ઃ DJ અને લેઝર લાઇટ્સ પર પણ પ્રતિબંધ, વાયુ અને ધ્વનિપ્રદૂષણ રોકવા માટે આદેશ બહાર પાડવામાં આવ્યો
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે સુઓમોટો અરજીની સુનાવણી હાથ ધરીને દિવાળી દરમ્યાન વાયુ અને ધ્વનિપ્રદૂષણ થતું હોવાનું ધ્યાનમાં લઈને જાહેર રસ્તાઓ, ગલીઓ તથા ફુટપાથ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકતો આદેશ આપ્યો છે. આખું વર્ષ દરેક તહેવારમાં આ આદેશની અમલબજાવણી કરવાની કડક સૂચના રાજ્ય સરકાર તથા પ્રશાસનને ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટે આપી હતી. દિવાળી પહેલાં હાઈ કોર્ટના આ આદેશને પગલે હવે ખાસ કરીને નરીમાન પૉઇન્ટ જેવી જાહેર જગ્યાએ ફટાકડા ફોડવા જતા લોકો નિરાશ થયા છે.
અગાઉ ગણેશચતુર્થી દરમ્યાન પણ હાઈ કોર્ટે રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે પ્રશાસનની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે લાગે છે સરકાર કે પ્રશાસન ફટાકડા ફોડવા બાબતે કોઈ નિયંત્રણો લાદી શક્યાં નથી.
આ ઉપરાંત ધ્વનિપ્રદૂષણ ન થાય એ માટે જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે ડિસ્ક જૉકી (DJ), ડૉલ્બી, લાઉડસ્પીકર ઉપયોગ તથા લેઝર લાઇટના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકતો આદેશ આપ્યો હતો. વાયુપ્રદૂષણના કારણે નાનાં બાળકો તથા સિનિયર સિટિઝન્સ-વૃદ્ધોને તકલીફ થતી હોવાનું અને તેમના આરોગ્ય પર ગંભીર અસર થતી હોવાનું કહીને આ આદેશ આપવામાં આવ્યો હતો. હવે સમય બદલાયો છે એટલે આ ચિત્ર પણ બદલાવું જોઈએ, એવી ટિપ્પણી હાઈ કોર્ટે
કરી હતી.
જોકે ફટાકડાના વેચાણ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો ન હોવાની સ્પષ્ટતા હાઈ કોર્ટે કરી હતી. DJ, ડૉલ્બી અને લાઉડસ્પીકરના કારણે ધ્વનિપ્રદૂષણ થતું હોવાનું તથા લેઝર લાઇટ્સના કારણે આંખોમાં તકલીફ થતી હોવાનું કહી હાઈ કોર્ટે એના પર મૂકવામાં આવેલા પ્રતિબંધનું કારણ સ્પષ્ટ કર્યું હતું.
અઠવાડિયામાં ગાઇડલાઇન્સ તૈયાર કરવા BMCને નિર્દેશ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB) લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે આવતા અઠવાડિયા સુધી ગાઇડલાઇન્સ તૈયાર કરે, જાહેરાતોના માધ્યમથી સ્કૂલનાં બાળકોમાં ગ્રીન ફાયરક્રૅકર્સ વિશે જાણકારી પહોંચાડવામાં આવે, સેલિબ્રિટીઝની મદદ લઈને જાગરૂકતા ફેલાવવામાં આવે, બસ તથા લોકલ ટ્રેન અને જાહેર સ્થળોએ બૅનરો કે જાહેરાતો વડે જાગરૂકતા ફેલાવવામાં આવે એવો નિર્દેશ હાઈ કોર્ટે આપ્યો હતો.
