જે પ્રેમીને બાઇક સહિત અનેક વસ્તુઓ ખરીદવા માટે પૈસા આપ્યા હતા એ પ્રેમીના બીજી યુવતીઓ સાથેના અફેર પકડ્યાં તો પ્રેમીએ કહ્યું, મારા જીવનમાં દખલ ન કર: ડિપ્રેસ્ડ યુવતીએ અંતિમ પગલું ભર્યું
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટના ગોલીબાર રોડ પરની એક સોસાયટીમાં રહેતી યુવતીએ પ્રેમમાં દગો અને છેતરપિંડીને લીધે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ગઈ કાલે યુવતીના પ્રેમીની ધરપકડ કરી હતી. આકસ્મિક મૃત્યુની નોંધ કરીને પોલીસે યુવકની વધુ પૂછપરછ હાથ ધરી છે. યુવતીના મોબાઇલ અને બૅગ સહિત તેનાં બૅન્ક-અકાઉન્ટ તપાસવામાં આવ્યાં હતાં, જેમાંથી અલી નામના યુવક વિશે માહિતી મળી હતી.
પોલીસ શું કહે છે?
ADVERTISEMENT
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવતીનું નામ રિતિકા ચૌહાણ હતું. પ્રાથમિક તપાસમાં તેનું અલી નામના યુવક સાથે અફેર હોવાની માહિતી અમને મળી હતી. જોકે અલીનું બીજી છોકરીઓ સાથે અફેર હોવા છતાં તેણે રિતિકા સાથે પ્રેમસંબંધ રાખ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. અલીએ બાઇક ખરીદવા માટે રિતિકા પાસે પૈસા પડાવ્યા હોવાની માહિતી મળ્યા બાદ અલી સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે.’
શું હતી ઘટના?
રિતિકા ચૌહાણ નામની બાવીસ વર્ષની યુવતીને અલી શેખ નામના યુવકે પ્રેમની જાળમાં ફસાવી હતી. અલીએ તેની પાસેથી બાઇક ખરીદવા માટે પૈસા પણ પડાવ્યા હતા. એ પછી પણ બીજી વસ્તુઓની ખરીદી માટે તે રિતિકા પાસેથી પૈસા પડાવતો હતો. પૈસાની લેવડદેવડ પછી રિતિકાને જ્યારે ખબર પડી કે અલીનું બીજી છોકરીઓ સાથે પણ અફેર છે ત્યારે રિતિકા વધારે ચિંતામાં મુકાઈ ગઈ હતી. બન્ને વચ્ચેની ચૅટિંગ તપાસતાં જાણવા મળ્યું હતું કે તેના સવાલના જવાબમાં અલીએ એવું કહી દીધું હતું કે આ મારી લાઇફ છે, હું મારી રીતે જીવીશ; તારે એમાં દખલ નહીં દેવાની. આને કારણે રિતિકા વધુ ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
અમારી હસમુખી દીકરીએ આવું કેમ કર્યું એનો જવાબ નથી મળતો ઃ રિતિકાની મમ્મી
રિતિકાની મમ્મી કલ્પના ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિતિકા એક વર્ષ પહેલાં અંધેરીની એક મોટી ફાર્મા કંપનીમાં ફ્રેશર તરીકે જોડાઈ હતી અને તેનું કામ સારું હોવાથી કંપનીએ ટૂંક સમયમાં તેને પરચેઝ મૅનેજર તરીકેની જવાબદારી સોંપીને તેનો પગાર પણ વધાર્યો હતો. એ પછી તેણે અચાનક બે મહિના પહેલાં એ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ઘરે બેસી ગઈ હતી. તે ઘરમાં સતત ગુમસુમ રહેવા માંડી હતી. શરૂઆતમાં અમે તેને પૂછતા ત્યારે તે કોઈ જવાબ નહોતી આપતી. એ પછી એક મહિના પહેલાં તે વિક્રોલીની એક કંપનીમાં ઓછા પગારે ફરી નોકરીએ જોડાઈ ગઈ હતી. અમે તેને ઓછા પગારે કામ કરવાનું કારણ પૂછ્યું તો તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. ૬ નવેમ્બરે રિતિકા સવારે નોકરીએ તો ગઈ હતી, પણ બપોરે ઘરે પાછી આવીને સૂવા જાઉં છું કહીને અંદર જતી રહી હતી. એ પછી મોડે સુધી બહાર ન આવતાં અમે તેને જગાડવા સતત દરવાજો ઠોક્યો હતો, પણ અંદરથી કોઈ જવાબ ન મળતાં અંતે દરવાજો તોડ્યો હતો. અમને જોવા મળ્યું કે બેડરૂમમાં તેણે પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. એ પછી બનાવની જાણ ઘાટકોપર પોલીસને કર્યા બાદ બીજા દિવસે તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી. સતત બધા સાથે હસીને વાત કરનારી અમારી દીકરીએ આવું શા માટે કર્યું હશે એનો અમને કોઈ જવાબ મળ્યો નહોતો. પોલીસે તપાસમાં બહાર આવેલી અલી નામના યુવક વિશેની માહિતી અમારા માટે આઘાતજનક છે.’


