અંધેરીમાં દીપડાથી બચવા ગાયત્રી મંત્ર
અંધેરીમાં મહાકાલી કેવ્ઝની નજીકમાં આવેલા સીપ્ઝના ટેકરીવાળા વિસ્તારમાં આવેલા રહેઠાણના પરિસરમાં વારંવાર દીપડો દેખાવાની બનેલી ઘટનાને પગલે પાવર સિસ્ટમ ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (પાવર સિસ્ટમ)ના અધિકારીઓએ વિસ્તારમાં આગની નકલી જ્વાળા, એલઈડી લાઇટ્સ અને સ્પીકર્સ લગાવ્યાં છે.
વેરાવલી પમ્પિંગ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન દીપડો દેખાયાનું ધ્યાન પર આવતાં સીપ્ઝમાં આવેલી પાવર સિસ્ટમ અને વેસ્ટર્ન રિજન પાવર કમિટીની ઑફિસના અધિકારીઓ દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. દીપડાએ ડૉગી પર હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વન વિભાગે આ વિસ્તારમાં પહોંચીને સ્થાનિક લોકોને દીપડાથી સાવચેત અને સાવધ રહેવા જરૂરી સૂચનો આપવા ઉપરાંત વિસ્તારમાં કૅમેરા બેસાડ્યા તથા રાત્રિ પૅટ્રોલિંગ વધારી દીધું હતું.
પાવર સિસ્ટમે દીપડાને દૂર રાખવા સાંજે છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી સતત ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતાં ચાર ઉપકરણો લગાવ્યાહ અને બિલ્ડિંગની દીવાલ પર એલઈડી લાઇટ્સ બેસાડી પૅનલ લગાવી હતી જેથી દીપડો બિલ્ડિંગમાં પ્રવેશી ન શકે. દીપડો જે મશીન પર બેઠેલો દેખાયો હતો એના પર પણ બનાવટી આગની જ્વાળાઓ પ્રદર્શિત કરતા લૅમ્પ બેસાડવામાં આવ્યા હતા.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
વન વિભાગે જણાવ્યું હતું કે દીપડાને સતત માણસની હાજરી પ્રતિત કરાવે એવા ભ્રમમાં રાખવાથી એનો પ્રવેશ અટકાવી શકાશે. પરિસરમાં આવેલા બિલ્ડિંગના સ્ટાફ અને સુરક્ષા-કર્મચારીઓને સતત સાવધ રહેવા અને સાંજ પછી જૂથમાં રહીને રાઉન્ડ મારવા જણાવ્યું હતું તથા સ્થાનિક વિસ્તારના ડૉગીઓને સાંજ પછી ખુલ્લા ભટકવા ન દેવાની સૂચના આપી હતી.

