જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે જોડતા ગાંધીનગર બ્રિજ પર કામ ચાલુ હોવાથી શનિ અને રવિવારે મોટરિસ્ટો ટ્રાફિક જૅમમાં ફસાયા બાદ આજે પણ તેમણે જૅમમાં કંટાળવું પડે એવી ભારોભાર શક્યતા

ગાંધીનગર ફ્લાયઓવર બંધ હોવાથી ગઈ કાલે સાંજે વાહનોની સાથે ઍમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. (તસવીર : રોહિત પરીખ)
ઈશાન મુંબઈમાં વિક્રોલી-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના ગાંધીનગર ફ્લાયઓવરનાં સાત સસ્પેન્શન તૂટી જતાં આ બ્રિજ વાહનો માટે જોખમી બની ગયો હતો. એને કારણે શુક્રવાર, ૧૩ મેથી આ બ્રિજ પર નવાં સસ્પેન્શન નાખવાના કામની શરૂઆત કરવા માટે એને ૨૪ મે સુધી બંધ રાખવામાં આવ્યો છે. બ્રિજ બંધ થવાથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર શનિવારે ટ્રાફિક-જૅમની સમસ્યા સર્જાઈ હતી. આ હાઇવે પર શનિવાર અને રવિવાર આ બે દિવસથી વિક્રોલીના ગોદરેજ સિગ્નલથી કાંજુરમાર્ગ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. વિક્રોલીના ટ્રાફિક વિભાગનો અંદાજ છે કે આજે બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા હોવાથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે નહીં. જોકે રવિવારે સાંજના ૪.૩૦ વાગ્યે જેવીએલઆર ફ્લાયઓવરની નીચે સિનિયર અધિકારીઓ સહિત ટ્રાફિક પોલીસની બહુ મોટી ટીમ હતી. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગોદરેજ સિગ્નલથી ગાંધીનગર સિગ્નલ સુધી એક કિલોમીટરનું અંતર કાપતાં રિક્ષાઓને ૪૫ મિનિટ લાગી હતી તો આજથી આ રોડના ટ્રાફિકની શું હાલત થશે એ જોવા જેવું થવાનું છે.
જેવીએલઆર ફ્લાયઓવર પર શું સમસ્યા છે?
આ ફ્લાયઓવર પર બેસાડવામાં આવેલાં સાત સસ્પેન્શન (લોખંડના ઍન્ગલથી બનેલાં) તૂટી જવાને કારણે આ બ્રિજ પરથી પસાર થતાં વાહનો જમ્પ કરતાં હતાં. આ માહિતી આપતાં અત્યારે આ બ્રિજ પર સસ્પેન્શન બેસાડવાનું કામ સંભાળી રહેલા સાઇટ સુપરવાઇઝર રૂપેશ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રીતે ઊછળતાં વાહનોને કારણે ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે. એટલે આ બ્રિજ પર નવાં સસ્પેન્શન બેસાડવાં અત્યંત જરૂરી હોવાથી અમે ૧૩ મેથી જ્યાં-જ્યાં સસ્પેન્શન બેસાડવાનાં છે એ ભાગને તોડવાની શરૂઆત કરી હતી. જોકે શનિવારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક-જૅમની સમસ્યા આઉટ ઑફ કન્ટ્રોલ થઈ જતાં અમારે સાંજના ચાર વાગ્યાથી અમારું કામ બંધ કરવું પડ્યું હતું. અમે દિવસ-રાત કામ કરીએ છીએ. આમ છતાં અમે આ કામની ગંભીરતાને જોતાં કોઈ પણ સંજોગોમાં ૨૪ મે પહેલાં પૂરું કરવા માટે અસમર્થ છીએ. લોકોએ ૨૪ મે સુધી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ ટાળવો જરૂરી છે.
એક કિલોમીટરનું અંતર કાપતાં ૪૫ મિનિટ
ગઈ કાલે રજાનો દિવસ અને ટ્રાફિક કન્ટ્રોલ માટે ટ્રાફિક પોલીસની ૧૫ જણની ટીમ સક્રિય હોવા છતાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ સમયે ગોદરેજ સિગ્નલથી રિક્ષા પકડીને કાંજુરમાર્ગ તરફ જઈ રહેલા એક સાઉથ ઇન્ડિયન પરિવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને એક કિલોમીટરનું અંતર કાપતાં સામાન્ય દિવસોમાં ૧૫ મિનિટ પણ પૂરી લાગતી નથી, પણ ગઈ કાલે અમને ટ્રાફિક-જૅમ હોવાથી ૪૫ મિનિટથી વધુ સમય લાગ્યો હતો.’
એલબીએસ રોડથી ગાંધીનગર રાઇટ ટર્ન બંધ
પવઈની આઇઆઇટી પાસે મેટ્રો રેલનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી ગાંધીનગરથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી મેટ્રો અને રોડના કામને કારણે એલબીએસ રોડથી ગાંધીનગર થઈને એક્સપ્રેસ હાઇવે તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાથી એલબીસએસ રોડથી એક્સપ્રેસ હાઇવે તરફ જવા માટે વાહનોએ પવઈની આઇઆઇટીથી ફરીને જવું પડે છે. એને કારણે ગાંધીનગર ફ્લાયઓવર પરથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર જવાના રોડ પર પણ હેવી ટ્રાફિક-જૅમ થઈ જાય છે. આ રોડ પર પવઈની આઇઆઇટીથી એક્સપ્રેસ હાઇવે સુધી વાહનોની લાંબી કતારો લાગી જાય છે.
બે રોડનો બોજો એલબીએસ રોડ પર
શનિવારથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ગાંધીનગરના રોડ પર ટ્રાફિક-જૅમની સીધી અસર એલબીએસ રોડના ટ્રાફિક પર થાય છે. એમાં એલબીએસ રોડ પર પણ મેટ્રોનું કામ ચાલતું હોવાથી આ રોડની હાલત પણ બિસમાર છે એટલે આ રોડ પર વાહનો સ્પીડમાં જતાં ઉછાળા મારે છે. આ સંજોગોમાં વાહનો ઓછી સ્પીડમાં જતાં હોવાથી અને રોડની હાલત કથળેલી હોવાથી ટાફિક-જૅમની સમસ્યા આ રોડ પર પણ છે. શનિવારે આ રોડ પર ઘાટકોપરથી મુલુંડ જઈ રહેલા કલ્પેશ જગડને મુલુંડ પહોંચતાં ૪૫ મિનિટને બદલે બે કલાક લાગ્યા હતા. કલ્પેશ જગડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે લૉન્ગ વીક એન્ડ હોવા છતાં જો બધા રોડ જૅમ છે તો આવતી કાલથી અમારી હાલત શું થશે એ વિચારીને જ ચિંતા થાય છે.
ગોદરેજથી કાંજુરમાર્ગ સુધીનો સર્વિસ રોડ ખતરનાક
બાર દિવસ માટે જેવીએલઆર ફ્લાયઓવર બંધ થવાથી ઈસ્ટર્ન એક્સપ્રેસની બાજુના સર્વિસ રોડની હાલત ભયંકર રીતે કથળી ગઈ છે. એને કારણે આ રોડ પરથી પર વાહનો માટે પસાર થવું જોખમકારક છે. એને લીધે આ રોડ પર બે દિવસથી ટ્રાફિક-જૅમ રહે છે.
અડધો કલાકમાં ચાર ઍમ્બ્યુલન્સ અટકી
ગઈ કાલે રજાનો દિવસ હોવા છતાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. એમાં અડધો કલાકમાં ચાર ઍમ્બ્યુલન્સ આ ટ્રાફિકમાં ફસાઈ હતી. એમને જવા માટે કોઈ અન્ય માર્ગ હતો નહીં. ટાગોરનગરના રહેવાસી મનીષ સાળવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યાં સુધી ફ્લાયઓવર બંધ છે ત્યાં સુધી ટ્રાફિક વિભાગે ઇમર્જન્સી સેવાઓ માટે સર્વિસ રોડ ખાલી રાખવો જોઈએ જેથી ઍમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ ટ્રાફિકમાં અટકે નહીં.’
અમે ટ્રાફિક કન્ટ્રોલ કરવા સજ્જ છીએ
શનિવારનો આઉટ ઑફ કન્ટ્રોલ ટ્રાફિક અને રવિવારે સાંજના પણ જેવીએલઆર ફ્લાયઓવરના સિગ્નલથી ગોદરેજ સુધી વાહનો લાગેલી લાંબી કતારો જોયા પછી વાહનચાલકો માટે આજથી હવે શું થશે એ સવાલ થવો સામાન્ય છે. જોકે આ બાબતનો જવાબ આપતાં વિક્રોલી ડિવિઝનના ટ્રાફિક વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર હુસેન જાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હકીકતમાં અમે ગાંધીનગરનો ફ્લાયઓવર રિપેરિંગ માટે ૨૪ મે સુધી બંધ થશે એની જાહેરાત અઠવાડિયા પહેલાં કરી દીધી હતી. આમ છતાં શનિવારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ત્રણ દિવસ રજાના હોવાથી અમને ટ્રાફિક-જૅમ થશે એવું લાગતું નથી. આવતી કાલથી અમારી ટીમ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક નિયંત્રણ રાખવા માટે એકદમ તૈયાર છે. શનિવારે પડી એવી કોઈ મુસીબત આવતી કાલથી લોકોને થશે નહીં.’