પ્રાઇવેટમાં ૩૫ લાખ રૂપિયાનું થતું ઑપરેશન ૮ લાખ રૂપિયામાં થયું
સુધરાઈના ઍડિશનલ કમિશનર (હેલ્થ) ડૉ. સુધાકર શિંદે સાથે KEM હૉસ્પિટલના ડૉક્ટરોની ટીમ અને આ મહિલાના હૃદયે કોઈકને આપ્યું નવજીવન પતિ દીપક સાથે સઈ પરબ. તેના મૃત્યુ પછી તેનું હાર્ટ ડોનેટ કરવામાં આવ્યું એને પગલે એક વ્યક્તિને નવું જીવન મળ્યું છે.
પરેલમાં આવેલી કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલમાં પહેલી વાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. દેશની સુધરાઈની હૉસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઑપરેશન કરવામાં આવ્યું હોય એવું પહેલી જ વાર બન્યું છે. ખાનગી હૉસ્પિટલમાં આ ઑપરેશનનો ખર્ચ ૩૫ લાખ રૂપિયા જેટલો થતો હોય છે, જ્યારે KEMમાં આ ઑપરેશનનો ખર્ચ માત્ર આઠ લાખ રૂપિયા આવ્યો હતો એટલું જ નહીં; આ આઠ લાખમાંથી પણ મોટા ભાગની રકમ મહાત્મા ફુલે જનઆરોગ્ય યોજના, મુખ્ય મંત્રી સહાયતા નિધિ અને વડા પ્રધાન સહાયતા નિધિમાંથી પૂરી પાડી શકાશે. આમ ગરીબ અને આમ જનતા માટે પણ આ કૉસ્ટ્લી સારવાર રાહતના દરે ઉપલબ્ધ થઈ શકી છે.
લિવર ટ્રાન્સપ્લાન્ટ ફરી શરૂ
ADVERTISEMENT
આ સાથે જ લિવર ટ્રાન્સપ્લાન્ટનું જટિલ અને કૉસ્ટ્લી ઑપરેશન પણ ફરી એક વાર KEMમાં શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં ૨૦૧૦માં લિવર ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે એ પછી કેટલીક સમસ્યાઓ ઉદ્ભવતાં એ મોકૂફ રખાયું હતું. હવે ફરી એક વાર એ ચાલુ કરવામાં આવ્યું છે. એ માટે ખાસ સવા કરોડ રૂપિયાના ખર્ચે લેટેસ્ટ મશીનો મગાવવામાં આવ્યાં છે અને એના માટેનો અલાયદો લેટેસ્ટ સુવિધા સાથેનો ઇન્ટેન્સિવ કૅર યુનિટ વૉર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આમ હાર્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર સસ્તા દરે જરૂરી દરદીઓને સુધરાઈની હૉસ્પિટલમાં મળી શકશે.

