ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ અસોસિએશને ઊભા કરેલા આ સવાલ સામે પ્રોડક્શન હાઉસે કહ્યું કે સાચું કારણ બહાર ન આવે ત્યાં સુધી અફવાઓ પર વિશ્વાસ ન કરો
ગઈ કાલે લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગયેલો ‘અનુપમા’નો સેટ. તસવીરઃ સતેજ શિંદે
પ્રખ્યાત ટીવી-સિરિયલ ‘અનુપમા’ના સેટ પર ગઈ કાલે સવારે આગ લાગી હતી. ગોરેગામ-ઈસ્ટમાં દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીના ફિલ્મસિટી કૉમ્પ્લેક્સમાં ‘અનુપમા’ સિરિયલનો સેટ ઊભો કરવામાં આવ્યો છે. અહીં સવારે પાંચ વાગ્યાની આસપાસ આગ લાગી હતી જેને કાબૂમાં લેતાં ચાર કલાક લાગી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એમ મુંબઈ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટનાં ડેપ્યુટી ચીફ ઑફિસર નીલિમા હુંબરેએ જણાવ્યું હતું.
ફિલ્મસિટીમાં બિગ બૉસના સેટની પાછળ ઊભા કરાયેલા ‘અનુપમા’ના સેટમાં ટેન્ટ વિસ્તારમાં આગ લાગી હતી. આશરે ૫૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ સેટમાં આગ લાગતાં કૅમેરા, લાઇટિંગ-સિસ્ટમ, સ્ટુડિયોનાં સાધનો અને કૉસ્ચ્યુમ સહિત ઇલેક્ટ્રિક વાયર ફિટિંગ્સ, ડેકોરેટિવ મટીરિયલ બધું જ બળી ગયું હતું. શૂટિંગ સવારે સાત વાગ્યે શરૂ થવાનું હોવાથી અમુક ક્રૂ મેમ્બર્સ અને કારીગરો ત્યાં હાજર હતા. સદ્નસીબે તેમને કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
ADVERTISEMENT
આગ લાગી કે લગાડવામાં આવી?
ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ અસોસિએશનના અધ્યક્ષ સુરેશ ગુપ્તાએ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થાય એવી માગણી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘સેટ પર આગ લાગવાના બનાવ વધતા જાય છે. ઘણી વાર ઇશ્યૉરન્સ-ક્લેમ માટે પણ સેટ પર આગ લગાડવામાં આવતી હોય છે, પરંતુ એમાં સેટ પર કામ કરતા કારીગરોને જીવનું જોખમ ઊભું થાય છે. આ વખતે અમે ચૂપ નહીં બેસીએ, આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી એની તપાસ થવી જ જોઈએ તેમ જ પ્રોડ્યુસર અને ફિલ્મસિટીના મૅનેજિંગ ડિરેક્ટર વિરુદ્ધ પગલાં લેવાં જોઈએ.’ બધા જ સેટ પર ફાયર-સેફટી ઑડિટ કરાવવાની માગણી પણ તેમણે કરી હતી.
પ્રોડક્શન-હાઉસની સ્પષ્ટતા
ઇન્શ્યૉરન્સ ક્લેમ માટે આગ લગાડવામાં આવી હોવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ આગ લાગવાનું સાચું કારણ બહાર ન આવે ત્યાં સુધી આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવાની વિનંતી ‘અનુપમા’ સિરિયલના પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ હાઉસ શાહી પ્રોડક્શન તરફથી કરવામાં આવી છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘રવિવારે શૂટિંગ નહોતું અને સોમવારે પણ મોડેથી શૂટિંગ હોવાને કારણે ઇલેક્ટ્રિસિટીની મેઇન સ્વિચ બંધ હતી. માત્ર સિક્યૉરિટી ગાર્ડ અને સેટનો સ્ટાફ જ ત્યાં હાજર હતો. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.’
સેટ પર રહેતા ડૉગ્સને બીજા સેટ પર મોકલાયા
આગ લાગવાને લીધે ‘અનુપમા’ના સેટ પર રહેતા સ્ટ્રીટ-ડૉગ્સને સલામતી માટે નજીકમાં જ ચાલતા ‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલના સેટ પર મોકલી દેવામાં આવ્યા હતા. ‘અનુપમા’ના પ્રોડ્યુસર રાજન શાહી અને લીડ ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલી બન્ને ડૉગ-લવર છે. એથી સેટ પરના ડૉગ્સની સલામતી માટે તેમણે તાત્કાલિક વ્યવસ્થા કરી હતી. ‘અનુપમા’નું શૂટિંગ બે દિવસમાં અન્ય સેટ પર શરૂ થવાની શક્યતા છે.


