ગુરુવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એનું ઉદ્ઘાટન કરશે એમ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)ના મૅનેજિંગ ડિરેક્ટર અનિલ ગાયકવાડે કહ્યું છે
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
મુંબઈ અને નાગપુરને જોડતો ૭૦૧ કિલોમીટર લાંબો હાઈ સ્પીડ કૉરિડોર સમૃદ્ધિ મહામાર્ગનો છેલ્લો ૭૬ કિલોમીટરનો ઇગતપુરીથી લઈને ભિવંડી પાસે આવેલા આમણે સુધીનો તબક્કો હવે પૂરો થઈ ગયો છે. ગુરુવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એનું ઉદ્ઘાટન કરશે એમ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)ના મૅનેજિંગ ડિરેક્ટર અનિલ ગાયકવાડે કહ્યું છે. સમૃદ્ધિ મહામાર્ગના આ જ તબક્કામાં દેશની સૌથી લાંબી ૭.૮ કિલોમીટરની ટનલ કસારા ઘાટ હેઠળથી પસાર થાય છે. આમણેથી ઇગતપુરી સુધી જવા અત્યાર સુધી ૪૫૦ મીટર ઘાટ ચડવો પડતો હતો અને એમાં દોઢ કલાક જેટલો સમય લાગતો હતો. હવે સમૃદ્ધિ મહામાર્ગથી ફક્ત ૧૬૦ મીટરનું જ ચડાણ રહેશે અને માત્ર ૪૦ જ મિનિટમાં આ અંતર પાર કરી શકાશે.
MSRDC અને નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ ૧૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સાથે મળીને બનાવેલા આ છેલ્લા તબક્કાના સમૃદ્ધિ મહામાર્ગ પર થાણે જિલ્લામાં ત્રણ મહત્ત્વના ઇન્ટરચેન્જ આપવામાં આવ્યા છે. એક ઇગતપુરી, બીજો શહાપુર પાસે કૂટઘરમાં અને ત્રીજો ભિવંડી પાસે આમણેમાં આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મુંબઈ ટુ નાગપુર હવે ૮ કલાકમાં
હવે જ્યારે આખો સમૃદ્ધિ મહામાર્ગ તૈયાર થઈ ગયો છે ત્યારે મુંબઈ નાગપુરનું ૭૦૧ કિલોમીટરનું અંતર જે પહેલાં પસાર કરતાં ૧૬ કલાક લાગતા હતા એ હવે આઠ જ કલાકમાં પાર કરી શકાશે. ૫૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ સમૃદ્ધિ મહામાર્ગ પર કલાકના ૧૫૦ કિલોમીટરની સ્પીડે વાહનો ચલાવી શકાશે.
તબક્કાવાર પૂરા થયેલા આ પ્રોજેક્ટના પહેલા ફેઝ (નાગપુરથી શિર્ડી)નું ડિસેમ્બર ૨૦૨૨માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી શિર્ડી–ભારવીર (નાશિક)ના તબક્કાનું મે ૨૦૨૩માં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ ત્રીજા તબક્કાનું ભારવીર–ઇગતપુરીનું ઉદ્ઘાટન માર્ચ ૨૦૨૪માં MSRDC મિનિસ્ટર દાદાસાહેબ ભુસેએ કર્યું હતું અને હવે છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન દેવેન્દ્ર ફડણવીસ કરવાના છે.


