Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગઠિયાઓએ પેમેન્ટનો બનાવટી સ્ક્રીનશૉટ દેખાડીને વેપારીઓને ઠગ્યા

ગઠિયાઓએ પેમેન્ટનો બનાવટી સ્ક્રીનશૉટ દેખાડીને વેપારીઓને ઠગ્યા

Published : 29 June, 2026 07:23 AM | Modified : 29 June, 2026 12:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોરેગામમાં ૪૨,૮૧૩ રૂપિયાનાં સોનાનાં ઇઅર-રિ‍ંં‍‍ગ્સ લઈને ભાગી ગયા, બોરીવલીમાં ૩૯,૯૦૦ રૂપિયાનાં બ્રૅન્ડેડ ગૉગલ્સ પડાવ્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગોરેગામ અને બોરીવલીમાં અજાણ્યા ઠગબાજોએ ઑનલાઇન પેમેન્ટના નામે ફેક સ્ક્રીનશૉટ બતાવીને બે પ્રતિષ્ઠિત વેપારીઓ પાસેથી આશરે ૮૨,૭૦૦ રૂપિયાના સોનાના દાગીના અને બ્રૅન્ડેડ ગૉગલ્સ પડાવી લીધાં હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોરેગામના એમ. જી. રોડ પર આવેલી જીવા જ્વેલરી શૉપ અને બોરીવલીના પર્ફેક્ટ ઑપ્ટિક્સ નામનાં બે અલગ-અલગ સ્થળોએ આ છેતરપિંડી કરવામાં આવી હતી. ગ્રાહક બનીને આવેલા ઠગોએ વેપારીઓનો વિશ્વાસ જીતીને બૅન્ક-ખાતામાં પૈસા જમા ન થયા હોવા છતાં મોબાઇલમાં ઑનલાઇન પેમેન્ટ સક્સેસફુલ થયાનો બોગસ મેસેજ અને સ્ક્રીનશૉટ બતાવીને, ઉતાવળ કરીને તથા ડિલિવરી-બૉયનો ઉપયોગ કરીને માલ મેળવી લીધો હતો. બાદમાં છેતરપિંડીનો ખુલાસો થતાં બન્ને વેપારીઓએ સંબંધિત પોલીસ-સ્ટેશનોમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

ગોરેગામમાં જ્વેલરી શૉપના માલિક સાથે છેતરપિંડી



ગોરેગામ-વેસ્ટના એમ. જી. રોડ પર આવેલી જીવા જ્વેલરી શૉપમાં ઑનલાઇન પેમેન્ટના નામે એક પુરુષ અને મહિલા દુકાનમાંથી ૪૨,૮૧૩ રૂપિયાનાં સોનાનાં ઇઅર-રિંગ્સ લઈને ફરાર થઈ ગયાં હતાં. આ મામલે ગોરેગામ પોલીસે શુક્રવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ગુરુવારે સાંજે ખરીદી કરવા આવેલાં એક પુરુષ અને મહિલાને જ્વેલરી દુકાનની કર્મચારીએ ૫૦,૦૦૦ રૂપિયાના બજેટમાં ૧૮ કૅરેટનાં સોનાનાં ઇઅર-રિંગ્સ બતાવ્યાં હતાં. ગ્રાહકોએ એ પસંદ કરીને બિલ બનાવડાવ્યું હતું અને સાથે આવેલા પુરુષે પોતાના મોબાઇલમાંથી ઑનલાઇન પેમેન્ટ સક્સેસફુલ થયાનો સ્ક્રીનશૉટ બતાવ્યો હતો. કર્મચારી પેમેન્ટ કન્ફર્મ કરવા વૉટ્સઍપ ગ્રુપમાં મેસેજ ચેક કરી રહી હતી ત્યારે જ બન્ને ઠગ અમારી ફ્લાઇટ છે અને ઍરપોર્ટ જવામાં મોડું થાય છે એમ કહીને દાગીના લઈને ઉતાવળમાં નીકળી ગયાં હતાં. બાદમાં બૅન્કના ખાતામાં પૈસા જમા ન થયા હોવાની ખાતરી થતાં પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


બોરીવલીમાં ઑપ્ટિકલની દુકાનમાંથી ૩૯,૯૦૦ રૂપિયાનાં ગૉગલ્સ પડાવ્યાં

બોરીવલી-વેસ્ટમાં અજન્ટા થિયેટર નજીક આવેલી પર્ફેક્ટ ઑપ્ટિક્સમાં બુધવારે સવારે આરોપીએ ફોન કરીને ૩૯,૯૦૦ રૂપિયાની કિંમતના રે-બૅન કંપનીના મેટા ઝેન 02 ગૉગલ્સનો ઑર્ડર આપ્યો હતો. આરોપીએ કોટક મહિન્દ્ર બૅન્કમાંથી પેમેન્ટ કર્યાનો ખોટો સ્ક્રીનશૉટ દુકાનદારને વૉટ્સઍપ પર મોકલીને વિશ્વાસમાં લીધો હતો અને વી-ફાસ્ટ ડિલિવરી સર્વિસ દ્વારા પાર્સલ મેળવી લીધું હતું. બાદમાં બૅન્ક-ખાતામાં રકમ જમા ન થતાં અને આરોપીના ઉડાઉ જવાબો મળતાં પોતાની સાથે ઠગાઈ થવાની જાણ થઈ હતી. આ મામલે વેપારીએ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસ આગળની તપાસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK