કોરોનાને લીધે શ્રી વિઠ્ઠલ રુક્મિણી માતાના મંદિરમાં પ્રવેશ ન હોવાથી લોકોએ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવાની સાથે સંત નામદેવનાં દર્શન કર્યાં : ભક્તોને વિખેરવા મોટા પ્રમાણમાં પોલીસ-બંદોબસ્ત કરવો પડ્યો
પંઢરપુરમાં ગઈ કાલે અચાનક હજારો ભક્તો પહોંચી જતાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો
કોરોનાને કારણે લગાવાયેલા પ્રતિબંધને લીધે અષાઢ મહિનામાં થતી વારકરીઓની પંઢરપુરની યાત્રા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નહોતી થઈ શકી. જોકે કામિકા એકાદશી નિમિત્તે ગઈ કાલે પંઢરપુરમાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા હતા. એક અંદાજ મુજબ પચાસ હજાર જેટલા ભક્તો અહીં અચાનક આવી પહોંચ્યા હતા. અષાઢી એકાદશીની દર્શન ન કરી શકતા ભાવિકો કામિકા એકાદશી માટે પંઢરપુરમાં દાખલ થયા હતા.
વારકરી સંપ્રદાયમાં કામિકા એકાદશીનું ખૂબ મહત્ત્વ છે. આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભાવિકો ગઈ કાલે પંઢરપુર પહોંચ્યા હતા. અહીંનું શ્રી વિઠ્ઠલ રુક્મિણી માતાનું મંદિર બંધ છે એટલે બધા ભક્તોએ અહીંની ચંદ્રભાગા નદીમાં સામૂહિક સ્નાન કરીને સંત નામદેવની સમાધિ અને કળશનાં દર્શન કર્યાં હતાં એવું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
અચાનક મોટી સંખ્યામાં ભક્તો પંઢરપુર પહોંચી રહ્યા હોવાની જાણ થતાં આ તરફના તમામ રસ્તાઓ પર ભક્તોની કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તમામ લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવાની સૂચના સ્થાનિક પ્રશાસન દ્વારા સતત આપવામાં આવી હતી.
રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા એકથી વધુ વખત પંઢરપુર જેવાં ધાર્મિક સ્થળોએ લોકોને ગિરદી ન કરવાની સૂચનાઓ અને નિર્દેશ અપાયા હોવા છતાં લોકો દ્વારા ધસારો કરાતાં સ્થાનિક પ્રશાસન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. પંઢરપુરમાં લોકલ પોલીસને કામ લગાવીને ભાવિકોને સુરક્ષિત રીતે નદીમાં સ્નાન કરવાથી લઈને સંત નામદેવની સમાધિ અને કળશનાં દર્શન કરીને તાત્કાલિક પંઢરપુર છોડી જવાનું સમજાવાયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી બપોરે બહારગામથી આવેલા મોટા ભાગના ભક્તો પંઢરપુરમાંથી નીકળી ગયા હતા.


