Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઠંડા-ઠંડા કૂલ-કૂલ

ઠંડા-ઠંડા કૂલ-કૂલ

11 January, 2022 09:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં હજી પણ ચાર દિવસ તાપણાં કરવા જેવી ઠંડી રહેવાની તો સ્વેટર બહાર કાઢીને જ રાખજો : બે દિવસ તો એકદમ ઠંડો પવન પણ ફંકાવાનો છે

મુંબઈમાં ગઈ કાલે ઠંડા પવન ફૂંકાતાં કાંદિવલી ઠાકુર વિલેજમાં તાપણું સળગાવ્યું હતું રિક્ષાવાળાઓએ. (તસવીર : સતેજ શિંદે)

મુંબઈમાં ગઈ કાલે ઠંડા પવન ફૂંકાતાં કાંદિવલી ઠાકુર વિલેજમાં તાપણું સળગાવ્યું હતું રિક્ષાવાળાઓએ. (તસવીર : સતેજ શિંદે)


મુંબઈમાં આ શિયાળામાં ગઈ કાલે સવારના સૌથી ઓછું એટલે કે ૧૩.૨ ડિગ્રી તાપમાન નોંધાતાં મુંબઈગરાઓએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તાપમાનમાં ઘટાડાની સાથે ઠંડી હવા બે દિવસથી ફૂંકાઈ રહી હોવાથી કબાટમાંથી ગરમ કપડાં બહાર કાઢવા પડ્યાં છે. આગામી ૨૪થી ૪૮ કલાક દરમ્યાન પણ રાત્રિનું તાપમાન આટલું જ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે મુંબઈમાં ભરપૂર શિયાળો અનુભવવાની શક્યતા છે. જોકે ગયા વર્ષે ૧૭ જાન્યુઆરીએ ૧૧.૪ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું, પરંતુ ત્યારે ઠંડી હવા નહોતી ફૂંકાઈ એટલે આજકાલ અનુભવાઈ રહેલી ઠંડીનો અહેસાસ નહોતો થયો, એમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ઠંડો પવન ફૂંકાવાની સાથે સામાન્ય તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. આથી મુંબઈમાં આ વર્ષે શિયાળામાં પહેલી વખત ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં મુંબઈમાં રાત્રે ૧૨ અને ૪૮ કલાકમાં ૧૩ ડિગ્રી જેટલું નીચું તાપમાન રહેવાની આગાહી ગઈ કાલે કરી હતી. આથી હજી ચારેક દિવસ શહેરમાં ઠંડીનો માહોલ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ દિવસમાં સતત થઈ રહેલા સ્નોફૉલને કારણે ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનને લીધે મુંબઈ સહિત રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો થયો છે. એ સિવાય ત્રણ દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાથી પણ વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. આગામી ૪૮ કલાક સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. એ પછી થોડું તાપમાન વધશે.
મુંબઈમાં શિયાળાની વાત કરીએ તો છેલ્લા એક દાયકામાં ૨૦૧૨માં ૧૦ ડિગ્રી જેટલું ઓછું તાપમાન નોંધાયું હતું. એ સિવાય જાન્યુઆરી ૧૯૬૨માં ઑલ ટાઇમ લો ૭.૪ ડિગ્રી તાપમાન થઈ ગયું હતું. એ બાદ ૮ ફેબ્રુઆરી ૨૦૦૮માં પારો ૮.૫ ડિગ્રી જેટલો નીચે ઊતરી ગયો હતો. ૯ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ ૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

13.2
સાંતાક્રુઝ ગઈ કાલે આટલા સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.



15.2
કોલાબામાં ગઈ કાલે આટલા સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.


એક દાયકામાં જાન્યુઆરીમાં નીચું તાપમાન
વર્ષ                તાપમાન
૧૭-૧-૨૦૨૦    ૧૧.૪ ડિગ્રી
૨૬-૧-૨૦૧૯    ૧૩.૨ ડિગ્રી
૮-૧-૨૦૧૮      ૧૩.૬ ડિગ્રી
૧૨-૧-૨૦૧૭    ૧૧.૯ ડિગ્રી
૧૨-૧-૨૦૧૬    ૧૨.૬ ડિગ્રી
૧૨-૧-૨૦૧૫    ૧૩.૬ ડિગ્રી
૧૮-૧-૨૦૧૪    ૧૩.૨ ડિગ્રી
૬-૧-૨૦૧૩      ૧૦.૪ ડિગ્રી
૨૯-૧-૨૦૧૨    ૧૦.૦ ડિગ્રી
૮-૧-૨૦૧૧       ૧૨.૪ ડિગ્રી


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2022 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK