EOWને તપાસ દરમ્યાન ખ્યાલ આવ્યો હતો કે આ બિલ્ડર પર અત્યાર સુધીમાં જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનોમાં ૧૩ ક્રિમિનલ કેસ પણ નોંધાયેલા છે.
પ્રતીકાત્મક તસવીર
મીરા-ભાઈંદરમાં બનાવટી દસ્તાવેજો અને નકલી પરવાનગીઓના પુરાવા આપીને કરોડો રૂપિયાના ફ્લૅટ્સ બિલ્ડરે ઊભા કર્યા અને લોકોને આ ગેરકાયદે ઊભા કરેલા ફ્લૅટ્સ વેચી પણ દીધા. છેતરપિંડીના ગુના હેઠળ ઇકૉનૉમિક્સ ઑફેન્સિસ વિંગ (EOW) દ્વારા આ બિલ્ડરની ઘરપકડ કરવામાં આવી હતી. EOWને તપાસ દરમ્યાન ખ્યાલ આવ્યો હતો કે આ બિલ્ડર પર અત્યાર સુધીમાં જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનોમાં ૧૩ ક્રિમિનલ કેસ પણ નોંધાયેલા છે.
ઓસવાલ બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ઉમરાવ સિંહ ઓસવાલે કન્સ્ટ્રક્શન માટેની બનાવટી રિવાઇઝ્ડ પરમિટ અને નકશાઓ રજૂ કર્યાં હતાં. એના આધારે તેણે ઓસવાલ પૅરૅડાઇઝ બિલ્ડિંગ નંબર ૬માં મંજૂર થયેલા ફ્લૅટથી વધુ ફ્લૅટ બનાવીને વેચી દીધા હતા. મે મહિનામાં નારાયણનગર પોલીસ-સ્ટેશનમાં બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ EOWને તપાસ સોંપવામાં આવી હતી.
ADVERTISEMENT
શનિવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બિલ્ડરના ઘરે તેની ધરપકડ કરવા માટે પહોંચ્યા ત્યારે બિલ્ડર ભાગી ગયો હતો. પોલીસની ટીમે તેનો પીછો કરીને તેને પકડી EOWને સોંપ્યો હતો. EOW દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


