તેના દસ્તાવેજ લઈને એના આધારે બૅન્ક-અકાઉન્ટ ઓપન કરાવ્યું અને એમાં સાઇબર ક્રાઇમના ૧.૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા
(ડાબેથી) આરોપીઓ સૌરભ સેઠી, મોહિત શર્મા અને સંદીપકુમાર નાહટા.
ભાઈંદરના એક ગુજરાતી યુવકને નોકરી આપીને તેના દસ્તાવેજના આધારે બૅન્ક-અકાઉન્ટ ખોલાવીને એનો ઉપયોગ સાઇબર ક્રાઇમની ૧.૫ કરોડની રકમ જમા કરાવવા થયો હતો. ભાઈંદરના સાગર ઠક્કરે ફરિયાદ કરતાં બોરીવલી પોલીસે તપાસ ચલાવીને એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે તેના અન્ય બે સાગરીતોની શોધખોળ ચાલી રહી છે.
પોલીસે કહ્યું હતું કે ‘આરોપીઓએ સાગરને મહિનાનો ૩૫,૦૦૦ રૂપિયાનો પગાર આપતી ક્લૉધિંગ કંપનીમાં નોકરી અપાવી હતી એટલે તેમના પર ભરોસો કરીને સાગરે તેમને પોતાનાં આધાર અને પૅન કાર્ડ આપ્યાં હતાં. એના આધારે આરોપીઓએ અનેક બૅન્કમાં ગૅલૅક્સી કૉર્પોરેશનના નામે અકાઉન્ટ ઓપન કરાવ્યાં હતાં.’
ADVERTISEMENT
આ કેસના આરોપીઓ મોહિત શર્મા ઉર્ફે વીર, અકાઉન્ટન્ટ સંદીપ કુમાર નાહટા ઉર્ફે હિતેશ અને સૌરભ મહાવીર સેઠી ઉર્ફે તેજસે તેઓ બિઝનેસમૅન છે અને કપડાનો એક્સપોર્ટ કરે છે એમ દર્શાવીને સાગર ઠક્કરના ડૉક્યુમેન્ટ સબમિટ કરી બનાવટી કંપની ઊભી કરી તેના નામે બૅન્ક-અકાઉન્ટ ઓપન કર્યાં હતાં. એને માટે અલગ મોબાઇલ નંબર પણ બૅન્કને આપ્યો હતો. આ અકાઉન્ટમાં સાઇબર ફ્રૉડના અને છેતરપિંડીના રૂપિયા જમા કરાવવામાં આવતા હતા.
પોલીસે કહ્યું હતું કે ‘સાગર ઠક્કર ભાઈંદર-ઈસ્ટમાં પત્ની અને દીકરી સાથે રહે છે. તેણે કહ્યું હતું કે નવેમ્બર ૨૦૨૪માં મારા એક મિત્રએ મારી ઓળખાણ મોહિત શર્મા સાથે કરાવી હતી જે પોતાને ક્લૉધિંગ કંપનીનો માલિક ગણાવતો હતો. મોહિતે તેને મહિને ૩૫,૦૦૦ રૂપિયાના પગારની નોકરી આપી હતી અને એ માટે તેનાં આધાર કાર્ડ અને પૅન કાર્ડ માગી લીધાં હતાં. એ માટે તેમણે ગોરેગામ-વેસ્ટમાં ભાડે ઑફિસ લીધી હતી. ડિસેમ્બર ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૫માં અલગ-અલગ બૅન્કના અધિકારીઓ એ ઑફિસની મુલાકાત લેતા હતા.’
સાગર ઠક્કરે કહ્યું હતું કે ‘જ્યારે મને જાણ થઈ કે મારા નામે બૅન્ક-અકાઉન્ટ ઓપન થયાં છે અને એમાં કરોડો રૂપિયાના સાઇબર ક્રાઇમના રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન થયાં છે. તેણે આરોપીઓ પાસે એ માટેનો જવાબ માગ્યો ત્યારે આરોપીઓએ તેને ગાળ આપી હતી અને જવાબ આપવાનું ટાળ્યું હતું.
સાગર ઠક્કરે બોરીવલી પોલીસને લીઝ ઍગ્રીમેન્ટ, આરોપીઓ સાથેની વૉટ્સઍપ-ચૅટ અને બૅન્ક-સ્ટેટમેન્ટ પણ સબમિટ કર્યાં હતાં. એ અકાઉન્ટમાં ૧.૫ કરોડનાં ટ્રાન્ઝૅક્શન થયાં હોવાનું જણાયું હતું.
બોરીવલી પોલીસે ઝીણવટભરી તપાસ કરીને સૌરભ સેઠીને ઝડપી લીધો હતો. મોહિત શર્મા અને સંદીપ કુમાર નાહટાની શોધખોળ ચાલી રહી છે. એવું જાણવા મળ્યું હતું કે આરોપીઓએ કાંદિવલીના મહાવીરનગરના એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં બીજી ઑફિસ શરૂ કરી હતી અને ત્યાંથી તેઓ ગેરકાયદે વ્યવહાર ચલાવતા હતા.


