આવી ચીમકી આપીને એકનાથ શિંદે બરાબરના વરસ્યા ઉદ્ધવ ઠાકરે પર
બુધવારે ‘સિતારે ઝમીન પર’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં આમિર ખાન સાથે એકનાથ શિંદે અને શાઇના એન.સી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે ગઈ કાલે વિધાનસભામાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), મરાઠી અને મીઠી નદીના સફાઈમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાન પરિષદના સભ્ય ઉદ્ધવ ઠાકરે પર બરાબરના વરસ્યા હતા. તેમણે મુંબઈગરાઓ માટેની યોજનાઓ, ટલ્લે ચડી ગયેલા પ્રોજેક્ટ્સ અને પાછલી સરકારના કામ પર પ્રશ્નાર્થચિહન ઊભાં કર્યાં હતાં એટલું જ નહીં, મીઠીનો ગાળ કાઢતી વખતે મરાઠી માણૂસ ન દેખાયો અને ડિનો મોરિયાને કામ સોંપ્યું એમ કહ્યું હતું. જો ડિનો મોરિયા મોઢું ખોલશે તો અનેક લોકોના ‘મોરિયા’, રહસ્ય છતાં થઈ જશે એમ તેમણે જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લેતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ચૂંટણીઓ નજીક આવે એટલે મરાઠી-મરાઠી કરવાનું અને એ પછી તું કોણ એમ કહીને તેને સાઇડ પર હડસેલી દેવાનો. મહા વિકાસ આઘાડીના સમયે વિકાસનાં કામોને બ્રેક લાગી ગઈ હતી અને મરાઠી માણૂસને ડિંગો બતાવી દેવાયો હતો. કોવિડના સમયે ખીચડી અને ડેડ-બૉડીની બૅગ ચોરનારા હવે ભ્રષ્ટાચારના આરોપ કરી રહ્યા છે. અમે તો રસ્તા ધોવાનું અને સફાઈનું કામ હાથમાં લીધું હતું, જ્યારે તમે તો તિજોરી જ સાફ કરવામાં લાગી ગયા હતા.’
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ કોર્ટે આપેલા આદેશને કારણે અટકી ગઈ હતી એમ જણાવીને એકનાથ શિંદેએ વધુમાં કહ્યું હતું કે ‘અધર બૅકવર્ડ ક્લાસ (OBC)નો અનામતનો મુદ્દો મહત્ત્વનો હતો. જોકે હવે કોર્ટે ચૂંટણી કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી નહોતી થઈ એમ છતાં મુંબઈમાં કોઈ કામ ખોરંભે નથી ચડ્યું. મુંબઈમાં બદલાવ આવી રહ્યો છે. મુંબઈ અમારા માટે પ્રાયોરિટી પર છે, જ્યારે બીજા માટે કૉન્ટ્રૅક્ટર પ્રાયોરિટી પર હોય છે.’
અમે મરાઠી માણૂસ માટે કામ કર્યું એમ અનેક લોકો બૂમો પાડીને કહે છે, પણ તે કેમ મુંબઈની બહાર ફેંકાઈ ગયો એ બાબતે આત્મપરીક્ષણ કરવાની જરૂર છે એમ જણાવીને એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘કોની સરકારના સમયમાં મરાઠી માણૂસ મુંબઈની બહાર ફેંકાઈ ગયો? પત્રા ચાલમાં કોણે માયા ભેગી કરી? ટ્રાન્ઝિટ કૅમ્પમાં વર્ષો સુધી રહેતો માણૂસ મરાઠી માણૂસ નથી?’

