દેવેન્દ્ર ફડણવીસની ઉદ્ધવ ઠાકરેને સંબોધીને હળવી ટકોર
દેવેન્દ્ર ફડણવીસ
શિવસેના-UBTના ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના રાજ ઠાકરે એક થાય એવી અટકળો વચ્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને તેમના સત્તાધીશ મોરચામાં જોડાવાની ઑફર આપી દીધી છે. બુધવારે વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે હળવા મૂડમાં કહ્યું હતું કે ‘૨૦૨૯ સુધી તો અમે એ બાજુ (વિરોધ પક્ષ)માં બેસીએ એવું નથી જ બનવાનું. ઉદ્ધવજી માટે આ બાજુ (સત્તાધીશ પક્ષ)માં આવવાની તક છે. જોકે એના માટે અલગ રીતે વિચારીશું, પણ અમે તો એ બાજુ નહીં જ આવીએ.’
BJP અને શિવસેનાની ૨૫ વર્ષની યુતિમાં ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી બાદ તિરાડ પડી હતી. શિવસેનામાં પણ ફાટ પડ્યા બાદ અત્યારે સત્તામાં BJP સાથે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCP જોડાઈ છે. એક બાજુ ઉદ્ધવ ઠાકરે ચૂંટણી પહેલાં MNSના રાજ ઠાકરે સાથે યુતિ કરવા આતુર છે એવી અટકળ ચાલી રહી છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસે હળવા મૂડમાં કરેલી મજાક પણ કોઈ નવી રાજકીય ગતિવિધિને વેગ આપે એવું લાગી રહ્યું છે.

