ઠાકરે બ્રધર્સના વિજય મેળાવડા વિશે પ્રતિભાવ આપતાં એકનાથ શિંદેએ કહ્યું...
એકનાથ શિંદે
મરાઠીનો વિજય દર્શાવવા ગઈ કાલે વરલીના ડોમમાં યોજાયેલા વિજય મેળાવડામાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને ટાર્ગેટ કર્યા હતા. એકનાથ શિંદે પુણેના એક કાર્યક્રમમાં ‘જય ગુજરાત’ બોલ્યા હતા એ વાતના સંદર્ભે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘ગઈ કાલે જ એક ગદ્દાર જય ગુજરાત બોલ્યો. પુષ્પા મૂવીમાં હતું કે ઝુકેગા નહીં સાલા અને અહીં (એકનાથ શિંદે) એટલા ઝૂકી રહ્યા છે કે જાણે ઉઠેગા નહીં સાલા.’ તેમના એ વક્તવ્ય પર એકનાથ શિંદેએ પત્રકારોને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘તે જ આડા પડી ગયા છે, ત્રણ વર્ષ પહેલાં, હજી સુધી સંભાળી શક્યા નથી. હવે કોઈનો હાથ પકડી ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યા છે. એથી ઉઠેગા નહીં જેવું બોલવું તેમને શોભતું નથી. એના માટે કાંડામાં જોર હોવું જોઈએ. ફક્ત મોઢેથી વરાળ કાઢો એમાં કંઈ ન વળે. હું એટલું કહીશ કે એકે (રાજ ઠાકરેએ) મરાઠી બાબતે જે તલસાટ હતો એ બોલી દેખાડ્યો અને બીજાએ (ઉદ્ધવ ઠાકરેએ) સત્તા માટે અને ખુરસી માટેની ઇચ્છા બોલી દેખાડી. આ કાર્યક્રમમાં ઝંડો નહીં અને પક્ષીય એજન્ડા નહીં એમ કહેવાતું હતું, પણ એક જણ એક વાક્ય બોલીને એને વળગી રહ્યા, પણ બીજાએ સ્વાર્થનો ઝંડો અને સત્તાનો એજન્ડા ચૂંટણીના ભાષણ પ્રમાણે જ બોલી બતાવ્યો. બન્નેમાં આ ફરક છે. તેમણે રાજ્યગીતથી શરૂઆત કરી એ માટે તેમનું અભિનંદન, પણ એ જે રાજ્યગીત છે એને હું જ્યારે મુખ્ય પ્રધાન હતો ત્યારે રાજ્યગીત તરીકે માન્યતા આપવામાં આવી હતી. એ સિવાય હું જ્યારે મુખ્ય પ્રધાન હતો ત્યારે મેં, દેવેન્દ્રજી અને અજિતદાદા એમ અમારી ટીમે મરાઠીને અભિજાત ભાષાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એને તત્કાળ માન્ય પણ રાખ્યો, એ માટે હા પાડી. મને છોડો, મારી ટીકા કરો એનો વાંધો નથી. એ તો રોજ કરો છો. પણ જે વ્યક્તિએ મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો અપાવ્યો તેમને (નરેન્દ્ર મોદીને) પણ તમે છોડતા નથી. એથી તેમનામાં જે સત્તા માટેની લાલસા છે એ દેખાઈ આવે છે. એથી આજનો જે મેળાવડો હતો મરાઠી ભાષા માટે, મરાઠી માણસ માટે; એ માટેનો તલસાટ તેમના (રાજ ઠાકરેના) ભાષણમાં દેખાઈ આવતો હતો. મરાઠી માણસ કેમ મુંબઈથી બહાર ફેંકાઈ ગયો, તેમની ટકાવારી કેમ ઘટી ગઈ એના વિશે તેમણે બોલવું જોઈએ.’

