દેવેન્દ્ર ફડણવીસનો જવાબ : અત્યારથી જ રોદણાં રડીને ૪ જૂન પછીની સ્થિતિની તૈયારી છે
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
પાંચમા તબક્કામાં ગઈ કાલે લોકસભાની મુંબઈ સહિત મહારાષ્ટ્રની ૧૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું હતું ત્યારે અનેક જગ્યાએ મતદાનની પ્રક્રિયા ધીમી ચાલી રહી હોવાની ફરિયાદ મળી હતી. ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેએ દાદર અને આસપાસના વિસ્તારોમાં જઈને સ્થિતિનો અંદાજ લીધા બાદ પ્રેસ-કૉન્ફરસ કરીને સરકાર પર ગંભીર આરોપ કરતાં કહ્યું હતું કે ‘સરકાર ઓછું મતદાન થાય એ માટેનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને મુંબઈમાં આવું કરવામાં આવી રહ્યું હોવાની અસંખ્ય ફરિયાદો અમને મળી છે. ભારતીય જનતા પાર્ટી કે એના સહયોગી પક્ષો માટે અનુકૂળ વાતાવરણ છે ત્યાં મતદાન બરાબર થઈ રહ્યું છે, પણ બીજી બેઠકો પર ધીમી ગતિએ મતદાન કરાવવામાં આવી રહ્યું છે. અમે ડેટા એકઠો કરી રહ્યા છીએ. ઇલેક્શન કમિશનના પક્ષપાતના વિરોધમાં અમે કોર્ટમાં જઈશું.’
ઉદ્ધવ ઠાકરેના આ આક્ષેપ બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મુંબઈમાં મંદ ગતિએ મતદાન થઈ રહ્યું હોવાની સૌથી પહેલી ફરિયાદ અમે જ ઇલેક્શન કમિશનને કરી હતી. હવે ટેવ મુજબ ઉદ્ધવ ઠાકરેએ રોદણાં રડવાનું શરૂ કર્યું છે. પરાજય સામે દેખાઈ રહ્યો છે એટલે તેમણે આદત મુજબ મોદીજી પર આરોપ કરવાનું શરૂ કર્યું છે. ૪ જૂન પછીની સ્થિતિ સામે જતાં પહેલાંની આ તેમની તૈયારી છે. આ ઉપરાંત ચૂંટણી-અધિકારીઓને ધમકી આપવામાં આવી રહી છે.’

