શિવસેના (UBT)ના પ્રમુખ ભગવાન રામ પાસે પાછા ફર્યા એનો આનંદ એવો કટાક્ષ કરીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે રામરક્ષા આંદોલનના ભાગરૂપે નાગપુરના રામ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી શિવસેના (UBT)ના પ્રમુખને આખરે સમજાયું કે જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં.
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ઉચાપત સામે રાજ્યવ્યાપી રામરક્ષા આંદોલન ચલાવી રહેલા ઉદ્ધવ ઠાકરેએ નાગપુરના રામ મંદિરમાં રામરક્ષા સ્તોત્રનું પઠન કરીને રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. એ સંદર્ભે પ્રતિક્રિયા આપતાં દેવેન્દ્ર ફડણવીસે પુણેમાં પત્રકારોને જણાવ્યું હતું કે ‘સૌપ્રથમ મને ખુશી છે કે ઉદ્ધવજીને આખરે સમજાયું કે જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં. તેથી તેઓ ભગવાન રામ પાસે પાછા ફર્યા છે અને હું તેમને એ માટે અભિનંદન આપું છું. મને આશા છે કે ઉદ્ધવ ઠાકરે ખરેખર રામરક્ષા સ્તોત્ર વાંચશે અને એને ફક્ત રાજકીય કાર્યક્રમ નહીં બનાવે.’
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ તેમના પુત્ર આદિત્ય ઠાકરે, પાર્ટીના સંસદસભ્ય સંજય રાઉત, પાર્ટીના વિધાનસભ્યો અને કાર્યકરો સાથે ગઈ કાલે મોડી બપોરે નાગપુરના રામનગર વિસ્તારમાં રામ મંદિરમાં પ્રાર્થના અને આરતી કરી હતી. એ પછી આંદોલનના ભાગરૂપે મંદિરની બહાર એક સભાને સંબોધિત કરી હતી.
મને રામરક્ષા નથી આવડતી પણ રામની રક્ષા કરતાં આવડે છે એમ કહીને BJPમુક્ત રામ આંદોલનની જાહેરાત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું... રામ મંદિર કંઈ તમારા બાપાની જાગીર નથી
અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરીના મામલે રામરક્ષા સ્તોત્રનું પઠન કરીને વિરોધ નોંધાવી રહેલા શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે નાગપુરના રામ મંદિરમાં રામરક્ષાનું પઠન કર્યા બાદ લીધેલી સભામાં કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશની વિધાનસભાના અધ્યક્ષ કહે છે કે જે વ્યક્તિએ શ્રદ્ધાપૂર્વક દાન નહી કર્યું હોય તેની રકમ ચોરાઈ ગઈ. રામ મંદિર એ કંઈ તમારા બાપાની જાગીર નથી. હવે ‘BJPમુક્ત રામ’ આંદોલનની આ શરૂઆત છે.’
રામના ભક્તોની શ્રદ્ધા પર આ કારમો ઘા છે એમ કહીને ઉદ્ધવ ઠાકરેએ ટાંક્યું હતું કે ‘અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે ‘અભી હિન્દુ માર નહીં ખાએગા’ પણ હવે ‘હિન્દુ ઉનકો માફ નહીં કરેગા’ની ભૂમિકા લેવાનો સમય આવી ગયો છે. રામ મંદિરના દાનની ચોરીની તપાસ બાબતે નાટક ન કરો. રિટાયર્ડ જજની આગેવાનીમાં એ તપાસ કરો. કંઈ પણ બોલીએ તો દેશદ્રોહી ઠરાવી દેવામાં આવે છે. મને રામરક્ષા નથી આવડતી પણ રામની રક્ષા કરતાં આવડે છે. મોહન ભાગવત એ સ્પષ્ટ કરે કે તેઓ રામભક્તોની સાથે છે કે રામ મંદિરની દાનની રકમ ચોરનાર ચોરો સાથે. હું અનેક ગામમાં જવાનો છું. ગામોગામ આ લડાઈ લઈ જવાશે.’
