એમ કહીને આંદોલન કરનારાઓ રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મરાઠા આંદોલનનો ગઈ કાલે ચોથો દિવસ હતો. હજારોની સંખ્યામાં મહારાષ્ટ્રના ખૂણે-ખૂણેથી મુંબઈ આવી પહોંચેલા મરાઠા આંદોલનકારીઓ ગઈ કાલે સવારે મંત્રાલય પહોંચી ગયા હતા અને ત્યાર બાદ તેમણે ત્યાં રસ્તા પર જ નાસ્તો કર્યો હતો. બપોરે બહુ મોટી સંખ્યામાં મંત્રાલય પહોંચેલા આંદોલનકારીઓએ મંત્રાલયને અંદરથી જોવાની માગણી કરી હતી. જોકે મંત્રાલય સામે બૅરિકેડ્સ લગાવી દઈને અંદર જવા માટેનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો અને પોલીસનો પણ ત્યાં વિશેષ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. તેમણે પોલીસને કહ્યું હતું કે બૅરિકેડ્સ હટાવો, અમારે મંત્રાલય જોવું છે. જોકે પોલીસે એ માટે તેમને ના પાડતાં તેઓ અકળાયા હતા અને રસ્તા પર જ ધરણાં કરવા બેસી ગયા હતા.
મોટી સંખ્યામાં આંદોલનકારીઓ રસ્તા પર બેસી જતાં ટ્રાફિક જૅમ થયો હતો. તેમણે જોરદાર નારાબાજી કરી આખો વિસ્તાર ગજાવી નાખ્યો હતો. થોડી વાર તેમને નારાબાજી કરવા દીધા બાદ પોલીસે ઍક્શન લીધી હતી અને તેમને ધીમે-ધીમે ત્યાંથી દૂર કર્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.


