તમારા બિલ્ડિંગની ટેરેસ પર, બાલ્કનીમાં કે બારી પાસે કબૂતરોને ચણ નાખવાની શરૂઆત કરો જીવદયાપ્રેમીઓને આવી હાકલ કરીને ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહની BMCને અપીલ
તેમની કૉર્પોરેટ ઑફિસની બાલ્કનીમાં ગઈ કાલે કબૂતરો માટે ચણ નાખી રહેલા ઘાટકોપર-ઈસ્ટના BJPના વિધાનસભ્ય પરાગ શાહ.
લોકો કબૂતરને ચણ નાખવાનું બંધ કરતા નથી એ બહાના હેઠળ બે દિવસ પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ દાદરના કબૂતરખાનાની પાણીની લાઇન કાપી નાખી અને ત્યાર પછી કબૂતરખાનાને તાડપત્રીથી ઢાંકીને બંધ કરી દીધા બાદ દાદરના અને મુંબઈના જીવદયાપ્રેમીઓનો આક્રોશ વધી રહ્યો છે. દાદરના કબૂતરખાના સાથે સંકળાયેલા ટ્રસ્ટ અને એના સંચાલકોએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને એની સહયોગી પાર્ટીઓને હવે પછીની ચૂંટણીમાં વોટ નહીં આપવાનો નિર્ધાર કરી લીધો છે. તેઓ કહે છે કે ‘મહારાષ્ટ્રની સરકાર ભૂલી ગઈ છે કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીની સરકારને ચૂંટી લાવવામાં મુંબઈના ગુજરાતીઓ, કચ્છીઓ અને મારવાડીઓ અગ્ર સ્થાને રહ્યા છે. આ પ્રજા રાષ્ટ્રપ્રેમી અને જીવદયાપ્રેમી છે છતાં કબૂતરખાનાં બંધ કરાવીને સરકારે અબોલ જીવ સમાં કબૂતરો પર અત્યાચાર કર્યો છે, પણ સરકારે આમ કરીને મતદારોની નારાજગી સામે ચાલીને વહોરી લીધી છે.’
દાદરના શાંતિનાથ જૈન દેરાસરના ટ્રસ્ટી સંદીપ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવાઈની વાત તો એ છે કે BJPના અમુક નેતાઓએ કબૂતરખાનાનો વિરોધ વિધાન પરિષદમાં કર્યો અને સરકારે કોઈ પણ જાતના વૈજ્ઞાનિક પુરાવા વગર મુંબઈનાં પ્રાચીન કબૂતરખાનાંઓને બંધ કરાવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓને સક્રિય કરી દીધા. જૈન સમાજ અને સનાતન હિન્દુઓનાં દિલ આનાથી હચમચી ગયાં છે. ગઈ કાલે સવારે ઘાટકોપરના BJPના અગ્રણી કાર્યકર રવિ પૂજને લઈને અમે મુંબઈના જૈન અગ્રણી અને ઘાટકોપર-ઈસ્ટના BJPના વિધાનસભ્ય પરાગ શાહને અમારો આ સંદેશ આપવા તેમને મળવા ગયા હતા. અમે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે સરકારે એ ન ભૂલવું જોઈએ કે આ જીવદયાપ્રેમીઓને કારણે જ તમે અત્યારે સત્તા પર છો.’ તમે અબોલ જીવનો ખોરાક બંધ કરાવીને તેમના પર જુલમ કરી રહ્યા છો. આર્ય સંસ્કૃતિમાં પ્રાણીમાત્રને જીવન જીવવાનો અધિકાર છે. આપણા બંધારણમાં એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સદીઓ પહેલાં બે દેશ વચ્ચે યુદ્ધવિરામ થતો અને ત્યાર બાદ શાંતિના દૂત કબૂતરને આકાશમાં ઉડાડવામાં આવતાં હતાં. અચાનક આ કબૂતરો માનવજાતનાં દુશ્મન કઈ રીતે થઈ ગયાં?’
ADVERTISEMENT
દાદરના અને મુંબઈનાં અન્ય કબૂતરખાનાંના સંચાલકોના પ્રતિનિધિમંડળ સાથે મીટિંગ કર્યા બાદ પરાગ શાહે સૌથી પહેલાં ચેમ્બુરમાં અમર મહલ પાસે આવેલી તેમની કૉર્પોરેટ ઑફિસની બાલ્કનીમાં કબૂતર અને પક્ષીઓને ચણ નાખીને જીવદયાપ્રેમીઓને અપીલ કરી હતી કે ‘હું તમામ જીવદયાપ્રેમીઓને આશ્વાસન આપું છું કે હું, મારી પાર્ટી, મારા વરિષ્ઠ નેતાઓ હંમેશાં તમારી સાથે છીએ અને રહીશું. કોર્ટનો જે આદેશ છે એ અનપેક્ષિત છે, જેની સામે કોઈ વિકલ્પ કે ઇલાજ શોધવો જરૂરી છે. જ્યાં સુધી કોર્ટમાં મૅટર ચાલે છે અને જ્યાં સુધી કોઈ બીજું નિરાકરણ આવતું નથી ત્યાં સુધી હું જીવદયાપ્રેમીઓને વિનંતી કરું છું કે તમે તમારા બિલ્ડિંગની ટેરેસ પર, તમારી બાલ્કનીમાં કે બારી પાસે કબૂતરોને ચણ નાખવાની વ્યવસ્થા કરો અને ચણ નાખવાની શરૂઆત કરો. જે થવાનું હશે એ થશે. ગુજરાતીઓની તાકાત, જીવદયાની તાકાત અને પ્રાણીઓના આશીર્વાદની તાકાતનો અહેસાસ મને છે અને તમને પણ હોવો જોઈએ. કાંઈ થતું નથી, જે થશે એ જોયું જશે, હું તમારી સાથે છું અને તમારી સાથે આવવા તૈયાર છું. તમે તમારું જીવદયાનું કામ ચાલુ રાખો, એમાં અટકો નહીં. બસ એટલો ખ્યાલ રાખજો કે જ્યાં તમે ચણ નાખો છો એ ટેરેસ, બાલ્કની કે બારી પાસે સાફસફાઈ અને સ્વચ્છતા રાખજો. જીવોને ખવડાવવાની સાથે સ્વચ્છતા રાખવી એ પણ આપણી જવાબદાર છે. આથી જીવદયાની સાથે ગંદકી ન થાય એની જવાબદારીનો પણ જીવદયાપ્રેમીઓ અમલ કરશે એવી આશા રાખું છું.’

ઘાટકોપર-ઈસ્ટના BJPના વિધાનસભ્ય પરાગ શાહની સાથે દાદરના અને અન્ય કબૂતરખાનાંના સંચાલકો તથા ટ્રસ્ટીઓ.
જીવદયાપ્રેમીઓને આ હાકલ કર્યા પછી પરાગ શાહે મુંબઈ મહાનગરપાલિકાને એક મેસેજ મોકલતો વિડિયો વાઇરલ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ‘મુંબઈ હાઈ કોર્ટનો કબૂતરને દાણાપાણી આપવા પર પ્રતિબંધ આપતો આદેશ સાંભળીને હૃદય દ્રવી ઊઠ્યું. અમારા સમાજની જીવદયા, કરુણા અને સંવેદનશીલતા જાણે દીવાલ સાથે અથડાઈને તૂટી ગઈ. કબૂતર હંમેશાં જે શાંતિ, સદ્ભાવના અને નિર્દોષતાનું પ્રતીક બની રહ્યાં છે એને જાણે ભૂખ અને પ્યાસની બેડીથી બાંધી દેવામાં આવ્યાં હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. એમનો શું અપરાધ છે એ જ સમજાતું નથી. મેં જોયું છે કે રસ્તાઓ પર, કોઈ બિલ્ડિંગની છત પર કે કોઈ બારી પર ભૂખ્યાં-તરસ્યાં કબૂતરો દમ તોડીને મરી રહ્યાં છે. એમને ખાવા માટે કાંઈ મળતું નથી. એ જોઈને અમને થયું જાણે અમારી ઇન્સાનિયત પર કોઈએ હુમલો કરી દીધો. શું આપણે ઇન્સાન બનવાનું જ છોડી દીધું? અમારી પાસે પાર્કિંગ માટે, મોબાઇલ ટાવર ઊભા કરવા માટે જગ્યા છે, પણ માસૂમ-અબોલ પ્રાણી માટે જગ્યા નથી. શું આપણી ઇન્સાનિયત એટલી કમજોર થઈ ગઈ છે કે આપણે આ બેજુબાન-અબોલ કબૂતરોની રક્ષા કરી શકતા નથી. મને લાગે છે કે કોઈ નિર્ણય લેતાં પહેલાં અમારી સંવેદનશીલતા અને ભાવનાને પ્રશાસને સમજવાની જરૂર છે. આજે હું કોઈ નેતા તરીકે નહીં પણ એક માણસ તરીકે મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે અમને કોઈ એવી વૈકલ્પિક જગ્યા આપો જ્યાં હું ૫૦ કબૂતરખાનાં બનાવી શકું. આ અબોલ જીવો માટે દાણાપાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે બે કરોડ રૂપિયાનો કે ૧૦ કરોડ રૂપિયાનો જેકોઈ ખર્ચ થશે એ કરવા હું તૈયાર છું. એટલું જ નહીં, એની દેખરેખ રાખવા માટે હું સ્ટાફને નિયુક્ત કરીશ. અમે રોજ એ કબૂતરખાનાંની સ્થિતિ પર નજર રાખીશું. એની સાથે હું તમને એક સવાલ પણ પૂછવા માગું છું કે રોજ હજારો લોકો મૃત્યુ પામે છે એ બધા નિર્દોષ કબૂતરોને કારણે? મારી પાસે અનેક ડૉક્ટરો અને હૉસ્પિટલના રિપોર્ટ પણ છે જે કબૂતરને કોઈ રોગ માટે જવાબદાર ગણતા નથી. હું સરકાર અને મહાનગરપાલિકાના અધિકારીઓને હાથ જોડીને વિનંતી કરું છું કે અબોલ જીવોની રક્ષા કરવી અને એને શાતા પહોંચાડવી એ આપણી ફરજ નથી, એ એક સનાતન સંસ્કૃતિ છે. આથી કબૂતરખાનાં બંધ કરવાના નિર્ણય પર કે એમને દાણાપાણી બંધ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે. જો એમ કરવા તૈયાર નથી તો એટલું તો કરો કે અમારા જેવા લોકો જે કરુણા અને જીવદયા કરવા ઇચ્છે છે અને એવાં કાર્યો કરવા માગે છે તેમને રોકો નહીં, પણ અમને સહયોગ કરો. એ બેજુબાન પક્ષીઓ અમારી ઇન્સાનિયત પર ભરોસો કરે છે. અમે એના ભરોસાને તૂટવા ન દઈએ. એક વાર ફરીથી અમે ઇન્સાન બની શકીએ. એક વાર ફરીથી ઇન્સાનિયત કી ઓર એક કદમ બઢાએં.’


